જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સમી સાંજથી છેક સાડા નવ વાગ્યા સુધીના ગાળા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાયો છે. સિક્કા-ભાટિયા લાઈન ટ્રીપ થતા આ સમસ્યા સર્જાય હોવાનું સતાવાર જાહેર થયું છે. છેલ્લા પોણા ચાર કલાકથી ખંભાલીયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાઓમાં હાલ વીજ પુરવઠો ખોવાયો છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે સાંજથી વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો છે. જેને લઈને લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારાકા જીલ્લાના વીજ અધિક્ષકના જણાવ્યા અનુસાર ૧૩૨ કેવી લાઈન સિક્કા-વરવાળા વચ્ચેની જેટકોની લાઈન ટ્રીપ થવાથી આજે સાંજના પાંચ વાગ્યાને ચાલીસ મિનીટથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેટકો આ સમસ્યાના સમાધાન માટે સતત કાર્યશીલ છે અને ફોલ્ટ શોધી સમારકામ ચાલતું હોવાનું ઉમેર્યું છે. હાલ દ્વારકા જીલ્લામાં ભાટિયા, દ્વારકા, વરવાળા, કોરાલા, આરભડા અને ગઢકા ૬૬ કેવી સહીત ૧૮ ફીડર અને છ અર્બન ફીડર સહિત જીલ્લાના ૫૨ ફીડર બંધ છે, જેને લઈને ખંભાલીયા, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના કુલ ૭૭ ગામડાઓમાં છેલ્લા પોણા ચાર કલાકથી અંધાર પટ છવાયો છે એમ વીજ અધિક્ષકે જણાવ્યું છે. જો કે જેટકો જે તે ફોલ્ટને સોલ્વ કરવામાં લાગી ગયું છે અને આગામી અડધો કલાકના ગાળામાં એટલેકે આ લખાય છે ત્યારે રાત્રે દસ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે એમ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.