જામનગર: મરીન નેશનલ પાર્કમાં કોરલને રીલોકેટ કેમ કરાયા?

0
377

રાજ્યના એક માત્ર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ મરીન નેશનલ પાર્કમાં કોરલનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીની ચાર દાયકા જૂની પાઈપ લાઈન બદલવાની કામગીરીના કારણે કોરલનું સ્થળાંતર કરવામાં આવ્યું, દરિયાઈ સપાટી અને નીચેથી કોરલને સલામત રીતે કાઢી મરીન નેશનલ પાર્કની અન્ય જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવ્યું, પોણા ત્રણ વર્ષ સુધી ચાલેલ આ કામગીરી રાજ્યની પ્રથમ ઘટના છે.

ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જીલ્લાના દરિયા કિનારે આવેલું છે… આ મરીન નેશનલ પાર્કને વર્ષ 1980 અને 1982માં કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યું. આ અભયારણ્ય 458 ચોરસ કિમીમાં ફેલાયેલું છે, જેમાંથી ઉદ્યાન 163 ચોરસ કિમીને આવરી લે છે. તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. જ્યાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલ છે. અહી પિરોટન, નરારા, અજાડ અને પોસીત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે,  અહી ઇન્ટર ટાઈડલ એટલે કે દરિયાની અંદરના કોરલ અને સબ ટાઈડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે…અહી કોરલની 52 પ્રજાતિઓ જોવા મળી છે, જેમાંથી 42 સખત અને 10 નરમ છે. કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે જેને પોલીપ્સ કહેવાય છે. વિવિધ પ્રકારના રસપ્રદ આકારો અને રચનાઓથી આચ્છાદિત પોલિપ્સ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, વર્તમાન સમયમાં સલામતી અને સવર્ધન માટે નેશનલ પાર્કથી નેશનલ પાર્કમાં જ કોરલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું..

રાષ્ટ્રીય દરિયાઈ વન્યજીવ અભયારણ્યમાં સલાયાથી મથુરા સુધીની અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન પસાર કરવામાં આવી છે. ચાર દાયકા પૂર્વેની આ લાઈન બદલવાની હોવાથી અહીની ૧૬ હજાર કોરલ સામે ખતરો ઉભો થયો. સદીઓથી અસ્તિત્વ ધરાવતી આ કોરલને ઉગારી લેવા ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧માં કોરલ રી લોકેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કામગીરી શરુ કરવામાં આવી, જામનગર જીલ્લામાં સિક્કા રેંજ તાબાના નરારા ટાપુના રીફ વિસ્તારમાંથી કોરલને સ્થળાંતર કરવાની કામગીરી પોણા ત્રણ વર્ષ સુધી ચાલી, કુલ પાંચ કિમીના વિસ્તારમાં દરિયાની ઉપરની સપાટી અને નીચેના ભાગથી આ કામગીરી કરવામાં આવી. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોરલનું ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું.

નરારા ટાપુ આસપાસના વિસ્તારમાંથી ૧૬ હજાર કોરલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નરારાથી પાંચ કિમી દુર નેશનલ પાર્કના જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું. પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના ૧૬ હજાર કોરલનું રીલોકેટ કરવામાં આવેલ. સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે. હાલ આ કોરલનો સારો વિકાસ થઇ રહ્યો છે એમ મરીન ફોરેસ્ટના ડીસીએફ રાધિકા પરસાણાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here