અપડેટ્સ : ૩૭ કિલો ગાંજાની શરૂઆતથી અંત સુધીની કહાની

0
596

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે પીરની દરગાહ પાસે એક અવાવરૂ જગ્યા પર ગાંજાની આપ-લે થાય તે પૂર્વે જામનગર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી એક ટ્રક અને કાર સાથે ચાર શખ્સોને દબોચી લીધા છે. પોલીસે કાર અને ટ્રકમાંથી 27કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. જયારે ધ્રોલ રહેતા એક શખ્સના ઘરમાંથી 9 કિલો 900 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. ધ્રોલ અને જામનગરના બે શખ્સોએ જામનગર જિલ્લાના બે શખ્સો વતી ઓરિસ્સાથી ટ્રીપ મારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જામનગરના બન્ને રિસીવર શખ્સો સુધી પહોંચવા અને પરપ્રાંતિય નેટવર્કને ભેદવા માટે પકડાયેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જોડિયા તાલુકાના દલનાવાસ વિસ્તારમાં રહેતો અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા નામનો ટ્રક માલિક અને જામનગરમાં મચ્છનગર વિસ્તારમાં રહેતો જેમ્સ જેકબ ક્રિસ્ચન નામનો કલીનર બહારના રાજયમાંથી પોતાના ટ્રકમાં પ્લાયવુડના જથ્થાની આડમાં ગાંજાનો વિશાળ જથ્થો લઇ ધ્રોલ નજીક આવી પહોંચ્યા હોવાની એસઓજી પોલીસને હક્કિત મળી હતી. આ હક્કિતને લઇને પોલીસે અન્ય સરકારી પંચોને સાથે રાખી ગઇકાલે સાંજે ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રોડ પર આવેલ શેખ સુલેમાન પીરની દરગાહની નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન સાંજે સાડા છ વાગ્યાના સુમારે એક સફેદ કલરની કાર અને ટ્રક આ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જેમાંથી અલ્ટો કારમાંથી ઉતરેલા બે શખ્સો અને ટ્રકમાંથી ઉતરેલા બે મળી ચારેય શખ્સોએ વાર્તાલાપ કર્યો હતો. આરોપી પૈકીના એક શખ્સે ટ્રકની કેબીનમાંથી સફેદ કલરની પ્લાસ્ટીકના બાચકાને કાઢી કારમાં આવેલા શખ્સોને આપ્યું હતું. આવા સમયે એસઓજી પોલીસે રેડ કરી હતી. જેમાં અનિરૂધ્ધસિંહ, કલીનર જેમ્સ તેમજ કારમાં આવેલા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમાણી રહે.ધ્રોલ રજીવી સોસાયટી અને જાવીદ કાસમભાઇ જામ રહે.ગાયત્રી નગર ધ્રોલવાળા શખ્સોને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા અંદરથી સુફરનું બાચકુ મળી આવ્યું હતું. જયારે ટ્રકની તલાશી લેતા પ્લાયવુડના જથ્થા નીચેથી અન્ય એક બાચકુ મળી આવ્યું હતું. પંચોની હાજરીમાં પોલીસે મુદામાલનો વજન કરતા બન્ને બાચકાનો જથ્થો 27 કિલો હોવાનું સામે આવ્યું હતું.
દરમ્યાન પોલીસે આ ચારેય શખ્સોની પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં ધ્રોલના ત્રિકોણ બાગ નજીક રહેતા શાહરૂખ હાસમાણીએ પોતાના ઘરે વધુ જથ્થો સંતાળ્યો હોવાની વિગતો સામે આવી છે. જેને લઇને પોલીસે તાત્કાલિક આરોપીના ઘરની તલાશી લીધી હતી. જેમાં છીત્રી નીચેના ખુણામાંથી એક પ્લાસ્ટીકની બાચકી મળી આવી હતી. જેમાંથી 9 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 36 કિલો 900 ગ્રામનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે રૂા.3,69,000નો ગાંજાનો જથ્થો કબ્જે કરી તેમજ કાર અને ટ્રક સહિત કુલ રૂા.23.87 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

કોણે જથ્થો મંગાવ્યો? કયાં આપવાનો હતો ગાંજો?

પોલીસે ટ્રક ચાલક અનિરૂધ્ધસિંહ અને કલીનર જેમ્સની પ્રાથમિક પુછપરછ કરતા આ સમગ્ર રેકેટ ઓરીસ્સા રાજ્યથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યુ છે. આરોપી અનિરૂધ્ધસિંહની કબુલાત મુજબ ધ્રોલના શાહરૂખ હાસમાણીના કહેવાથી તેઓ બંને ઓરીસ્સા રાજ્યમાં રહેતા 8144522506 નંબરના મોબાઇલ ધારક પાસેથી ગાંજો લઇ આવવાની વાત કરી હતી. આ ઉપરાંત જોગવડ ખાતે રહેતા અજય જાડેજા નામના શખ્સે પણ ફોન કરીને ઉપરોકત નંબર વાળા ઓરીસ્સાના શખ્સ પાસે પોતાને પણ ગાંજાની ડીલેવરી લેવાની હોવાથી પોતે મંગાવેલો ગાંજો સાથે લઇ આવવા કહ્યું હતું. આ ગાંજો જામનગરમાં રહેતા નવાબ (મો.9638730283) વાળા શખ્સને ફોન કરી આપી દેવાનું કહ્યું હતું.

ઓરીસ્સાના રેન્ડાકોલ ગામેથી જથ્થો લોડ કરાયો

જોગવડના અજયસિંહ અને ધ્રોલના શાહરૂખે ટ્રક માલીક અને કલીનરને આપેલ આદેશ મુજબ બન્ને ટ્રક લઇ ઓરીસ્સા પહોંચ્યા હતાં. જ્યાં બન્ને શખ્સોએ આપેલ નંબર પર કોલ કરી ગાંજાની ડીલેવરીની વાત કરી હતી. ઓરીસ્સાના શખ્સે વાતચીત કરી ટ્રક ચાલક અને કલીનરને રેન્ડાકોલ ગામે બોલાવ્યા હતાં. જ્યાં તે શખ્સે ગાંજાની ડીલેવરી આપી હતી.

કેટલા સમયથી ચાલી રહ્યુ છે નેટવર્ક? રીમાન્ડ દરમિયાન થશે ખુલાસા

જામનગર પોલીસના ઇતિહાસમાં ગાંજાના જથ્થાને લઇને આ મોટી રેઇડ કહી શકાય. પરપ્રાંતથી જામનગર સુધી ફેલાયેલુ આ નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યુ છે? આ પ્રકરણમાં પકડાયેલા શખ્સો મ્હોરા છે કે અન્ય કોઇ મોટા માથા સંડોવાયેલા છે? કેટલા સમયથી આ નેટવર્ક ચાલતુ હતું? જામનગર જિલ્લાના કેટલા શખ્સો આ નેટવર્ક સાથે જોડાયેલા છે તેમજ જોગવડ ગામના અજય જાડેજા તથા જામનગરના નવાબ નામના શખ્સ સુધી પહોંચવા પોલીસે પકડાયેલા ચારેય શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here