દ્વારકા: રખડતા ખૂટીયાએ આધેડનો ભોગ લીધો

0
487

દેવભૂમિ દ્વારકા જીલ્લાના યાત્રાધામ દ્વારકા ખાતે રખડતા ઢોરની સમસ્યા આમ બની છે. અનેક યાત્રાળુઓ ઉપરાંત સ્થાનિક લોકો રખડતા ઢોરની ઢીંકનો ભોગ બની ચુક્યા છે. ત્યારે એક ખૂટીયાની ઠોકરનો ભોગ બની ગયેલ એકટીવા ચાલકનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. ઘરેથી દુધ લેવા નીકળેલ આધેડ પરત જ ન ફરતા તંત્રના પાપે તેઓની પત્નીને અકાળે વિધવા થવાનો વારો આવ્યો છે. સતત વધતા જતા રખડતા ઢોરના ત્રાસના કારણે હજુ કેટલી માનવ જીંદગીના ભોગ લેવાશે એતો તંત્ર જ જાણે ત્યારે રખડતા ઢોરને નાથવા આગળ આવવું જોઈએ એમ સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકામાં બનેલ ઘટનાની  વિગત મુજબ ગત તા.૮/૩/૨૨ના રોજ રાત્રે નવેક વાગ્યે પોતાની એકટીવા લઇ ઘરેથી દૂધ લેવા નીકળેલ બળવંતભાઇ જાદવભાઇ સાપરા ઉવ ૪૫ વાળા સનાતન બસ સ્ટેશન પાસે રોડ પર પહોચ્યા ત્યારે રોંગ સાઇડમા ડીવાઇડર માથી ખુટીયો (બળદ) દોડીને આવેલ અને એકટીવા સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં બળવંતભાઇ રોડ ઉપર પડી જતા શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

દરમિયાન તેઓને પ્રથમ દ્વારકા સરકારી હોસ્પીટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જામનગર તથા ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં તેઓનું તા.૨૨/૦૩/૨૦૨૨ના રોજ રાત્રીના સવા બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ નીપજ્યું હતું. રખડતા ઢોર દરેક શહેરની સમસ્યા બની ગઈ છે પરંતુ દ્વારકામાં તો રખડતા ઢોરે મહિલાને અકાળે વિધવા બનાવી દેતા નાગરિકોનો ગુસ્સો સ્થાનીક તંત્ર પર ઉતરી આવ્યો છે. રખડતા ઢોરને સત્વરે નાથવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here