ફરજ પરસ્તી : શાળામાં પેન વેચી ભણ્યો, આજે ક્લાસ વન અધિકારી છે એ વિદ્યાર્થી, નોકરીમાં આવી અડચણ પણ….

0
693

જામનગર : જૂનાગઢના વતની જયંતીભાઈ ટાંકના પરિવારની આવક કરતા જવાબદારીઓ ઘણી મોટી હતી. જયંતિભાઈના બંને ભાઈઓનું અવસાન થયેલું આથી બંને ભાઈઓના સંતાનોને થાળે પાડવાની જવાબદારી પણ જયંતીભાઈ પર હતી. જયંતિભાઈનો મોટો દીકરો વિવેક ઉંમરમાં નાનો હતો પણ સમજણ બહુ મોટી હતી એટલે મોજ મસ્તી કરવાની ઉંમરે વિવેક પરિવારને મદદ કરવાના કામમાં લાગી ગયો હતો. પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના અભ્યાસ દરમ્યાન વિવેક શાળામાં બોલપેન અને સ્ટેશનરી વેંચવા જાય. પોતાના ઘર પાસે જ નાની કેબિનમાં નાની મોટી વસ્તુઓ વેંચીને થોડી આવક ઉભી કરે જેનાથી પિતાજીની જવાબદારીઓ પૂરી કરવામાં મદદ થાય.

જીવનમાં કંઈક કરી છૂટવાની ઝંખના કરતા વિવેકને એના એક મિત્રએ જીપીએસસીની પરીક્ષા આપીને અધિકારી બનવાની વાત કરી. બી.ફાર્મ.નો અભ્યાસ કરી ચૂકેલા વિવેકને મિત્રની આ વાત ગળે ઉતરી અને જીપીએસસીની પરીક્ષા આપવાનો સંકલ્પ કર્યો. નોકરી કરતા કરતા અધિકારી બનવાની પરીક્ષાની તૈયારીઓ કરી. વિવેકની મહેનત રંગ લાવી અને જીપીએસસીની પરીક્ષા પાસ કરીને નાની ઉંમરે જ વિવેક સીધો જ ડેપ્યુટી કલેકટર તરીકે પસંદ થઈ ગયો. શાળાએ શાળાએ જઈને પેન વેંચવાનું કામ કરતો છોકરો ગુજરાત સરકારનો ક્લાસ 1 અધિકારી બની ગયો.

ડેપ્યુટી કલેકટર તરીકેની તાલીમના ભાગરૂપે 6 મહિના મામલતદાર તરીકે પણ કામ કરવાનું હોય. વિવેકને મામલતદારની તાલીમ માટે પોરબંદરમાં નિમણૂંક મળી. પોરબંદરની દરિયાઈ પટ્ટી પરના એક ગામમાં ‘શેલ્ટર હાઉસ’ બનાવવાનું હતું. પોરબંદરની આ દરિયાઈ પટ્ટી પર અવારનવાર વાવાઝોડા આવતા હોય એટલે વાવાઝોડાની અસરથી પ્રભાવિત થતા લોકોને રહેવા માટે સરકાર આ ‘શેલ્ટર હાઉસ’ બનાવતી હતી. આ માટે જમીન સંપાદનથી લઈને બીજી ઘણી મહત્વની કામગીરી મામલતદાર તરીકે વિવેકે સંભાળવાની હતી. લોકોને મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે જ ‘શેલ્ટર હાઉસ’ બનાવવાનું હતું છતાં ગેરસમજણને કારણે લોકોએ આ કામગીરી સાંભળતા યુવા મામલતદાર પર હુમલો કર્યો. આ હુમલામાં વિવેકને પગમાં ઇજા પણ થઈ. બદલો લેવા માટે સત્તાનો ઉપયોગ કરવાનો બદલે આ સંવેદનશીલ મામલતદારે લોકોની ગેરસમજણ દૂર કરીને કામ આગળ વધારવાનું નક્કી કર્યું.

આ ઘટનાના થોડા દિવસ બાદ વિવેકે 10 દિવસ માટે રજા મૂકી કારણકે એને પરિવાર સાથે હરિદ્વાર જવાનું હતું. કલેકટર સાહેબે વિવેકની રજા મંજૂર કરી એટલે વિવેક પરિવારના સભ્યોને લઈને હરિદ્વાર જવા નીકળ્યો. ટ્રેઈન હજુ તો જયપુર પણ નહોતી પહોંચી ત્યાં વિવેકભાઇના મોબાઈલ પર પોરબંદર કલેકટરનો કોલ આવ્યો. “વાયુ” વાવાઝોડુ પોરબંદરના દરિયા કાંઠે ટકરાવાની શકયતા હતી એટલે મામલતદાર તરીકે વિવેકભાઈની સેવાની જરૂર હતી. જે લોકોએ થોડા દિવસ પહેલા હુમલો કરીને પગમાં ઇજા પહોંચાડી હતી એ જ લોકોની સેવા માટે પરિવાર સાથેનો પ્રવાસ છોડીને જવાનું હતું. વિવેકે થોડી જ મિનિટમાં નિર્ણય લઈ લીધો કે હું પ્રવાસ પડતો મુકીની લોકોની સેવા માટે મારી ફરજ પર હાજર થઈ જઈશ.

થોડી જ મિનિટમાં જયપુર સ્ટેશન આવ્યું એટલે વિવેકભાઈ પ્રવાસ પડતો મૂકીને જયપુર ઉતરી ગયા. પરિવારના સભ્યો પણ વિવેકભાઈ સાથે જ જયપુર ઉતરી ગયા. પરત મુસાફરી માટેનું કોઈ પ્લાનીંગ નહોતું એટલે પોરબંદર પહોંચવામાં સમય લાગે તેમ હતો પણ વિવેકભાઈ બને એટલા જલ્દી પોરબંદર પહોંચવા માંગતા હતા. જયપુરમાં ઘણી રખડપટ્ટી કરી ત્યારે 3 કલાક બાદ અમદાવાદ સુધીની એક બસ મળી. મોડી રાતે અમદાવાદ આવ્યા પછી ખબર પડી વહેલી સવારે પોરબંદરની એક ફલાઇટ છે. સતત દોડાદોડીથી થાકેલા વિવેકભાઈ એરપોર્ટ બહાર લોન પર જ થોડો સમય સુઈ ગયા અને વહેલી સવારે ફલાઇટ દ્વારા પોરબંદર પહોંચીને વાવાઝોડાથી બચાવવા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના કામમાં લાગી ગયા.પોતાના પર હુમલો કરનારા લોકોને મદદ કરવા માટે આ માણસ પોતાનો પ્રવાસ અધુરો મૂકીને અડધા રસ્તેથી હેરાન થતા થતા ફરજ પર પરત આવી ગયા. મુશ્કેલીઓ વેઠીને આગળ વધેલા માણસ લોકોની મુશ્કેલીઓને સમજતા હોય છે.

લેખક : શ્રી શૈલેશ સગપરીયા, એકાઉન્ટ ઓફિસર, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here