ટેકાની ખરીદી : ૧૨૫ મણ ઉપરાંત બાકી રહેતી મગફળી પણ સરકાર ખરીદ કરશે : કૃષિ મંત્રી

0
1345

આગામી લાભ પાચમથી રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળી ખરીદ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. રાજ્યના ૨.૬૫ લાખ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવશે. ૨૮ જીલ્લાઓમાં જુદા જુદા યાર્ડ ખાતે શરુ થનારી આ પ્રક્રિયા પૂર્વે કૃષિ મંત્રીએ ખેડૂતોને ધરપત આપી છે કે નિયત કરેલ ખરીદ જથ્થા ઉપરાંત ખેડૂતો પાસે મગફળી વધશે તો તેની પણ સરકાર ખરીદી કરશે. બીજી તરફ ટેકાના ભાવમાં થતી કોઈ ગોલમાલ ચલાવી લેવામાં નહી આવે એમ પણ સરકારે સ્પષ્ટ કર્યું છે.

આગામી લાભ પાચમથી રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળી ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યના 28 જિલ્લાઓમાં 2 લાખ 65 હજાર ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધણી કરાવનાર પ્રતિ ખેડૂત દીઠ 2500 કિલો મગફળી ખરીદ કરવામાં આવશે. પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવનારી ખરીદી પ્રક્રિયા અંતર્ગત દરેક જિલ્લામાં કલેકટરની આગેવાની નીચે એક ટિમ બનાવવામાં આવી છે. જે સમગ્ર ખરીદ પ્રક્રિયા પર ધ્યાન આપશે. જો ખેડૂતો પાસે નિયત કરેલ મગફળી કરતા વધુ મગફળી હશે તો તેની પણ ખરીદી કરવામાં આવશે. એમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે. રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવમી તારીખથી શરુ થનારી ખરીદ પ્રક્રિયાના પ્રથમ દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર યાર્ડ ખાતે હાજર રહી ખરીદ પ્રક્રિયાની શરૂઆત કરાવશે.

છેલ્લા કેટલાય વર્ષોથી ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં ભ્રસ્ટાચાર અને ગોલમાલ થતી આવી છે. ત્યારે આ વખતે કોઈ બેદરકારી કે ગોલમાલ ચલાવી લેવામાં નહી આવે એમ  કૃષિ મંત્રીએ જણાવી, પારદર્શી પ્રક્રિયા થશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ દર વખતે સરકારના ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં અનેક ખેડૂતો બાકી રહી જતા હોવાની ફરિયાદો પણ ઉઠતી આવી છે. આ ઉપરાંત જયારે વારો હોય ત્યારે ખેડૂત મગફળી ભરી યાર્ડ પહોચે છે પણ ખરીદ પ્રક્રિયામાં બે-ત્રણ દિવસ નીકળી ગયા હોવાના પણ દાખલા છે. તેમજ કોઈ પણ કારણસર નિયત કરેલ સમયે ખેડૂત ન પહોચી શકે તો તેની મગફળી ખરીદ કરવામાં ન આવી હોવાના પણ દાખલા છે ત્યારે કૃષિ મંત્રીના મગફળીનો તમામ જથ્થો ખરીદી લેવાની વાત કેટલી સત્ય સાબિત થાય છે એ તો સમય જ કહેશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here