પાકિસ્તાન મરીને ભારતીય માછીમારી બોટ પર કર્યું ફાયરીંગ, એક ખલાસીનું મોત, એક ઘાયલ

0
2196

અરબી સમુદ્રમાં ઓખા નજીક આઈએમબીએલ પાસે ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલ બોટ પર પાકિસ્તાની મરીન એજન્સીએ ધડાધડ ફાયરીંગ કરતા એક ભારતીય (મહારાષ્ટ્રીયન) માછીમારનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એકને ઇજા પહોચી છે. ઓખા જેટી પર આવી પહોચેલ બોટનો સુરક્ષા એજન્સીઓ અને પોલીસે કબજો સંભાળ્યો છે. હાલ મૃત માછીમારને જામનગર પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

અરબી સમુદ્રમાં પાકિસ્તાની મરીન એજન્સીની અવારનવારની આડોડાઈ સામે આવતી રહી છે. ભારતીય જળસીમામાં ઘુસી ક્યારેક માછીમારો સાથેની ભારતીય બોટના અપહરણ તો ક્યારેક માછીમારી કરી રહેલ બોટ પર ધડાધડ કરવામાં આવતું ફાયરીંગ, આંતર રાષ્ટ્રીય સીમા પર વિપુલ પ્રમાણમાં મળતી કીમતી ફીસ ને  કારણે ભારતીય માછીમારો આઈએમબીએલ પર જતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ગત તા.૦૭/૧૧/૨૦૨૧ ના કામે માધવડ ગામના જેન્તીભાઇ નાનજીભાઇ રાઠોડની જલપરી નામની બોટ  (રજી.નં. IND GJ-32-MM-645) ઓખા આર.કે.બંદર શીરાજી જેટી પરથી ગઇ તા.૨૫/૧૦/૨૦૨૧ ના રાત્રે આઠેક વાગ્યે માછીમારી કરવા નીકળી હતી.

દરમિયાન આ બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇ સોલંકી જાતે.કોળી ઉ.વ.૩૪ ધંધો.માછીમારી રહે.વણાંકબારા તા.જી.દીવ વાળા સહિત કુલ ૬ (છ) ખલાસી સાથે ભારતીય જળ સીમામા ભારતીય બોર્ડર નજીક માછીમારી કરતા હોય અને ગઇ તા.૦૬/૧૧/૨૦૨૧ ના સાંજના છ્યેક વાગ્યા ના સુમારે ત્યા એક પાકીસ્તાની મરીન એજન્સી ની બોટ આવી અને ઓચીંતાની જલપરી બોટ પર આડેધડ ફાઇરીંગ શરુ કર્યું હતું.

જે ફાઇરીંગમા આ બોટના ટંડેલ દીલીપભાઇ નટુભાઇને ડાબી બાજુ લમણામા ફાઇરીંગ થી ઇજા થયેલ અને તેની સાથેના ખલાસી શ્રીધરભાઇ રમેશભાઇ ચામડે જાતે.કોળી ઉ.વ.૩૨ ધંધો.માછીમારી રહે.વડરાઇ રોડ કેવલીયા માહીમ સોસાયટી થાણે મહારાષ્ટ્ર વાળાને બગલમા પાછળની સાઇડ ડાબી બાજુ ગોળી લાગતા તેમનું  મૃત્યુ નીપજ્યું  હતું. અચાનક થયેલ ફાયરીંગના પગલે ટંડેલએ બોટને ઓખા બંદર તરફ વાળી હતી. આજે બપોરે આ બોટ ઓખા જેટી  પર આવી પહોચતા મરીન પોલીસે સ્થળ પર પહોચી સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. દરમિયાન મૃતક માછીમાર અને ઘવાયેલ ખલાસીને જામનગર તરફ રવાના કર્યા હતા. જામનગર ખાતે મૃતકની પીએમ કરાશે એમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here