જામનગર : જામનગર નજીકના લાલપુર તાલુકાના નવાગામમાં હથિયારોના ઝખીરા અંગે જામનગર અપડેટ્સ દ્વારા કરવામાં આવેલ ધારણા સાચી ઠરી છે. કારણ કે ત્રણ હથીયારો પકડાયા બાદ વધુ ત્રણ હથિયારો સાથે પોલીસે એક સખ્સને આંતરી લીધો છે. છેલ્લા ચાર દિવસમાં આ ગામમાંથી છ હથિયાર મળી આવ્યા છે. દેશી હથિયારોનું પગેરું છેક ઉતરપ્રદેશ સુધી લંબાયું છે.
જામનગર શહેરમાં ગત માસના ગાળા દરમિયાન એક વિપ્ર સખ્સને એલસીબી પોલીસે પકડી પાડ્યા બાદ લાલપુરના નવાગામમાં દરોડો પાડી એલસીબીએ પાંચ દિવસ પૂર્વે વિરમ મેરામણ ઓડેદરા નામના સખ્સને એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તુશ સાથે પકડી પાડયો હતો. દરમિયાન મેઘપર પોલીસની તપાસમાં આ ગામમાં હથીયારોનો ઝખીરો મળી આવ્યો હતો. ગઈ કાલે મેઘપર પોલીસે નવાગામ ની ઉગમણી સીમમાં ડેરાછીકારી તરફ જતા કાચા રસ્તે બેઠા પુલ પાસેથી સુરેશ સુઘાભાઇ ગોરાણીયા નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સના કબ્જામાંથી પોલીસે રૂપિયા ૬૦ હજારની કિંમતની ત્રણ પિસ્તોલ અને બે જીવંત કાર્તુશ કબજે કર્યા હતા. આ હથિયાર ચાર દિવસ પૂર્વે એલસીબીએ હથિયાર સાથે પકડી પાડેલ વિરમભાઇ મેરામણભાઇ મોઢવાડીયા પાસેથી ખરીદ્યા હોવાની આરોપીએ કબુલાત કરી છે. પાંચ દીવસ પૂર્વે એલસીબીએ વિરમને રૂપિયા દશ હજારના એક દેશી રિવોલ્વર અને બે જીવંત કાર્તીશ સાથે પકડી પાડયા બાદ મેઘપર પોલીસે રાજેશ ઉર્ફે રાજુ ગીગા મોઢવાડિયા, નીલેશ ઉર્ફે પોપટ લખમણ મોધાવાડીયા, સુરેશ ગોરાણીયાને પકડી પાડ્યો હતો. પોલીસે તમામની પાસેથી હથિયાર કબજે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ તમામ હથિયારો ઉતર પ્રદેશથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને હજુ પણ વધારે હથિયારો મળી આવવાની આશા છે જેને લઈને તમામ સખ્સોની પૂછપરછ હાથ ધરી છે.
નોંધ : તસ્વીર કાલ્પનિક છે. જેને અહેવાલ સાથે સબંધ નથી.