મહાનગરપાલિકા ચૂંટણી મહા કવરેજ : ભાજપે આ ૬૪ ઉમેદવારોની કેમ કરી પસંદગી ? રસપ્રદ વિહંગાવલોકન

0
408

જામનગર : મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે બુધવારે સાંજે શહેર ભાજપ દ્વારા જાહેર કરાયેલી 64 બેઠકો માટેના ઉમેદવારોની યાદી બાદ આજે બપોરે ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા હતાં. ભાજપે બહાર પાડેલી 16 વોર્ડની 64 બેઠકોની યાદીમાં ગત્ ટર્મમાં કોર્પોરેટર રહેલાં 19 આગેવાનોને ફરી એક વખત ટિકીટ આપી છે. જ્યારે ગત્ ટર્મમાં કોર્પોરેટર રહેલાં 9 મોટા માથા સહિત 29 પૂર્વ કોર્પોરેટરોની ટિકીટ કાપવામાં આવી છે. જો કે વિવાદને કારણે અમુક કોર્પોરેટરના પરિવારની વ્યક્તિને ટિકીટ આપવામાં આવી છે અને અમુકના વોર્ડ બદલવામાં આવ્યા છે. રિસામણા-મનામણાં ન થાય તેવા હેતુથી રાજકીય મજબુરીવશ લેવાયેલા અમુક નિર્ણય અંગે યાદી જાહેર થયા બાદ પણ નવો વિવાદ જાગ્યો છેે. ગઇકાલે સાંજે ભાજપ કાર્યાલયમાં અસંતુષ્ટ લોકોના ટોળા પહોંચ્યા હતાં અને ભાજપને મત ન આપવાની ચિમકી આપી હતી. પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયરની ટિકીટ કપાઇ છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબુ્રઆરીએ મતદાન થનાર છે. આ માટે શહેરના કુલ 16 વોર્ડની 64 બેઠક માટે થોડા દિવસ પહેલાં ભાજપના 9 જેટલાં પ્રદેશ નિરિક્ષકોએ જામનગર આવીને 500 થી વધુ દાવેદારોની સેન્સ લીધી હતી. તેમજ સંગઠ્ઠનના અપેક્ષિત કાર્યકરોને પણ સાંભળ્યા હતાં. આ પછી ગત્ સોમવારે ગાંધીનગર ખાતે ભાજપની પરંપરાગત સંકલનની બેઠક મળી હતી. જેમાં 500 જેટલા દાવેદારોની યાદીની સમીક્ષા કરવામાં આવી હતી અને સવાસો જેટલા નામો અલગ તારવવામાં આવ્યા હતાં. આ પૈકીના 80 થી વધુ નામો અંગે મંગળવારે મળેલી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી અને 64 ઉમેદવારોના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. જો કે સ્થાનિક કક્ષાએ બદલાતા સમીકરણને કારણે અપવાદરૂપ એકાદ-બે કિસ્સામાં પક્ષના હિતમાં જે યોગ્ય લાગે તેવો નિર્ણય લેવા શહેર ભાજપ અધ્યક્ષને સુચના આપવામાં આવી હતી.

ગઇકાલે સાંજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કાર્યાલયેથી આવેલી ઉમેદવારોના નામની યાદી પત્રકારો સમક્ષ શહેર અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરાએ જાહેર કરી હતી. આ યાદી મુજબ જાહેર કરવામાં આવેલ ઉમેદવારોની નામાવલી જોતાં 9 મોટા માથાઓની ટિકીટમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 29 પૂર્વ કોર્પોરેટરોને બ્રેક આપવામાં આવ્યો છે. જો કે અમુક કોર્પોરેટરના પરિવારની વ્યક્તિને રિપ્લેસમેન્ટ આપીને સાચવી લેવાનો પ્રયાસ કરાયો છે.

જે જાણીતા ચહેરાઓની ટિકીટ કપાઇ છે તેમાં તત્કાલિન મેયર હસમુખ જેઠવા, તત્કાલિન ડેપ્યુટી મેયર કરશન કરમુર, માજી મેયર પ્રવિણ માડમ, દિનેશ પટેલ, ભૂતપૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન કમલાસિંગ રાજપુત, મનિષ કનખરા, દિનેશ ગજરા, જશરાજ પરમાર, મેરામણ ભાટ્ટુનો સમાવેશ થાય છે. પ્રવિણ માડમ છેલ્લી છ ટર્મથી, હસમુખ જેઠવા અને કરશન કરમુર છેલ્લી પાંચ ટર્મથી કોર્પોરેટર હતાં. જ્યારે દિનેશ પટેલ ચાર ટર્મ તથા અન્યો ત્રણ ટર્મ કોર્પોરેટર હોવાથી નિવૃત્ત કરાયા છે. જો કે પ્રવિણ માડમ અને દિનેશ પટેલ વયમર્યાદાના પણ ક્રાઇટએરિયામાં પણ આવતા હતાં. જ્યારે કિશન માડમ અને કેશુ માડમને અઢી ટર્મ થઇ હોવાથી જીવતદાન આપીને સ્થાનિક રાજકારણનું વાતાવરણ ન બગડે તે હેતુથી તેમજ જે તે વોર્ડની પેનલને મજબુત બનાવવાના હેતુથી ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.1માં ભાજપના એકપણ ઉમેદવાર 2015 ની ચૂંટણી જીત્યા ન હતાં. પરંતુ ડિસેમ્બર 2017 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની સાથે ભાજપમાં જોડાયેલા હુસેનાબેન અનવરભાઇ સંઘાર અને ઉંમરભાઇ ઓસમાણભાઇ ચમડિયાને ભાજપે આ વખતે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મનિષાબેન અનિલભાઇ બાબરિયા અને ફિરોઝભાઇ હુશેનભાઇ પતાણી (કોટાઇ ગ્રુપ)ને ભાજપે ટિકીટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિરોઝભાઇ અગાઉ આ જ વિસ્તારના કોર્પોરેટર રહી ચુક્યાં છે.

વોર્ડ નં.2માંથી ભાજપે પૂર્વ કોર્પોરેટર ચેતનાબેન પુરોહિતની ટિકીટ કાપી છે. તેમના સ્થાને વોર્ડ નં.5ના પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં 2017 માં જોડાયેલા જર્યેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (હકાભાઇ) ને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે આ વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર જનકબા ખોડુભા જાડેજાની ટિકીટ કાપીને રાજપૂત સમાજના કોટામાં જયરાજસિંહ જાડેજાને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.6 ના પૂર્વ કોર્પોરેટર આલાભાઇ ભારાઇ (રબારી) ના પુત્રવધુ દિશાબેન અમીરભાઇ ભારાઇને અહિંથી ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.3 માંથી ગત્ ટર્મમાં ચૂંટાયેલા અને સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઇ જોષીને ફરી ટિકીટ આપવામાં આવી છે. આ જ રીતે અલ્કાબા વિક્રમસિંહ જાડેજાને પણ ભાજપે રિપીટ કર્યા છે. ચાર ટર્મ અને 60 વર્ષથી વધુ વયને કારણે જેની ટિકીટ રદ્દ કરવામાં આવી છે તેવા માજી મેયર દિનેશભાઇ પટેલના સ્થાને કડવા પટેલ સમાજના પરાગભાઇ પોપટભાઇ પટેલને ટિકીટ આપવામાં આવી છે. તેમજ પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબેન કંટરિયાના વિકલ્પ રૂપે લોહાણા સમાજમાંથી જ પન્નાબેન રાજેશભાઇ કટારિયા (મારફતિયા) ને ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.4 માંથી પૂર્વ કોર્પોરેટર કેશુભાઇ મેરૂભાઇ માડમને અઢી ટર્મને કારણે વધુ એક તક આપવાનો નિર્ણય લઇને પાર્ટીએ આ વોર્ડમાં તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવાનું સ્વિકાર્યું છે. તેમની સાથે પૂર્વ દંડક કોળી સમાજના પ્રતિનિધિ રૂપે જડીબેન નારણભાઇ સરવૈયાને ફરી ટિકીટ આપવામાં આવી છે. તેઓ પણ 2017માં કોંગે્રસમાંથી ભાજપમાં આવ્યા હતાં. તેમની સાથે ભાજપમાં આવેલા રચનાબેન નંદાણિયા દશ દિવસ પહેલાં જ ભાજપમાંથી ટિકીટ નહીં મળે તેવું લાગતા ભાજપ છોડીને કોંગ્રેસમાં ઉમેદવાર બન્યા છે. આ ઉપરાંત ગત્ વખતે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર પરંતુ પરાજીત થનાર પૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલાને ફરી એક વખત તક આપવામાં આવી છે. જ્યારે નવા ચહેરારૂપે ભાનુબેન દેવશીભાઇ વઘેરાને ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.5 માં પાંચ ટર્મથી ચૂંટાતા કરશન કરમુરની ટિકીટ નવી પોલીસીના કારણે કપાઇ છે. તેમના સ્થાને અઢી ટર્મને લીધે જીવતદાન મેળવનાર વોર્ડ નં.2 ના પૂર્વ કોર્પોરેટર કિશનભાઇ માડમને અહિંથી ટિકીટ આપવામાં આવી છે. આ વોર્ડમાં પ્રથમ પુરૂષ સીટ ઓબીસી અનામત આવી છે. ટિકીટ ગુમાવનાર કરશન કરમુર કદાચ ભાજપ સામે બળવો કરી ચૂંટણી લડે તેવી દહેશત હોવાથી આહિર સમાજના જ ઉમેદવારને ટિકીટ આપવાનો વ્યુહ અપનાવીને ભાજપે કિશન માડમને અહિંથી મેદાનમાં ઉતાર્યા છે. આ વોર્ડના મહિલા કોર્પોરેટર બિનાબેન કોઠારીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ડિમ્પલબેન રાવલને અહિંથી વોર્ડ નં.2માં ખસેડીને ટિકીટ આપવામાં આવી છે. ડિમ્પલબેન રાવલના વિકલ્પરૂપે બ્રાહ્મના કોટામાં જામનગર શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ આશીષ જોષીને ભાજપે અહિંથી ટિકીટ આપી છે.

વોડ નં.6 માં પૂર્વ કોર્પોરેટર રમાબેન બાબુભાઇ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર ઝાંઝીબેન ડેરના સ્થાને તેમના પતિ ભાયાભાઇ ડેરને ટિકીટ આપવામાં આવી છે. જ્યારે સાવ બે નવા ચહેરા તરીકે જયુબા અનિરૂધ્ધસિંહ ઝાલા તથા હિન્દીભાષી સમુદાયના કથિત કોટામાંથી દીપકસિંહ ચૌહાણને ટિકીટ મળી છે. આ વોર્ડમાંથી હિન્દી સમુદાયના પ્રતિનિધિરૂપે કમલાસિંગ રાજપૂત ત્રણ ટર્મ ભાજપના કોપોર્ર્રેટર રહ્યાં હતાં અને સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેનપદ પણ શોભાવી ચુક્યાં હતાં. આ વખતે તેમને ત્રણ ટર્મને કારણે બ્રેક આપવામાં આવી છે.

વોર્ડ નં.7 માંથી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને ભૂતકાળમાં સ્ટેન્ડીંગ કમિટીનું ચેરમેનપદ ભોગવનાર મેરામણ ભાટ્ટુને પણ બ્રેક આપવામાં આવી છે. આહીર સમાજના લાભુબેન કનુભાઇ બંધિયાને નવા ચહેરા તરીકે ટિકીટ આપવામાં આવી છે. જ્યારે આ વખતે પાટીદાર સમાજના બે પુરૂષ ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. અરવિંદ સભાયાને ફરી ટિકીટ આપવામાં આવી છે. જ્યારે ભૂતકાળમાં વોર્ડ નં.8માંથી ચૂંટાયેલા અને ડેપ્યુટી મેયર રહી ચુકેલાં તેમજ તાજેતરમાં જામનગર શહેર ભાજપના મહામંત્રી બનેલાં ગોપાલ સોરઠિયાને ભાજપે મોટા નેતાઓની ભલામણને કારણે ટિકીટ આપી છે.  સંગઠ્ઠનના હોદ્દેદારોને ટિકીટ નહિં મળે તેવું કહેનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં ફેરવી તોળ્યું હતું અને અનેક જગ્યાએ ટિકીટના દાવેદારો હોવાથી એવો નિર્ણય જાહેર કરેલ કે, સંગઠ્ઠનના હોદ્દેદારોને ચૂંટણી લડવી હોય તો સંગઠ્ઠનનું પદ છોડવું પડશે. આ કરીને ગુજરાત લેવલે વગદાર દાવેદારો માટે રસ્તો કાઢવામાં આવતા તે રસ્તે ચાલવામાં ગોપાલ સોરઠિયાને સફળતા મળી છે. એક અન્ય મહિલા ઉમેદવાર નવા ચહેરારૂપે પ્રભાબેન કિશોભાઇ ગોરેચાને ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.8 માંથી બન્ને પૂર્વ મહિલા કોર્પોરેટરોની ટિકીટ સ્થાનિક મતભેદોના કારણે કાપી નાખવામાં આવી છે. પ્રફુલાબેન જાની અને મેઘનાબેન હરિયાને સાઇડલાઇન કરીને બ્રહ્મ સમાજ અને મહાજન સમાજમાંથી નવા ઉમેદવાર ઉભા કરવામાં આવ્યા છે. મહિલા ઉમેદવાર તરીકે તૃપ્તીબેન સુનિલભાઇ ખેતિયા તથા સોનલબેન યોગેશભાઇ કણઝારિયા પ્રથમ વખત ચૂંટણી લડશે. સોનલબેન પૂર્વ કોર્પોરેટર યોગેશભાઇ કણઝારિયાના પત્ની છે. આ વોર્ડમાં એક મહિલા બેઠક અનામત વર્ગમાં જતાં ઓબીસી ઉમેદવાર તરીકે યોગેશભાઇના પત્નીને ટિકીટ અપાઇ છે. જ્યારે મહાજન સમાજના ઉમેદવાર તરીકે મેઘનાબેનના વિકલ્પે કેતનભાઇ વેલજીભાઇ ગોસરાણી (શાહ) ને ટિકીટ આપવામાં આવી છે. આ વોર્ડમાંથી બે વખત ચૂંટાયેલા અને શાસકપક્ષના પૂર્વ નેતા તેમજ અગાઉ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રહી ચુકેલાં દિવ્યેશ અકબરીને ફરી ટિકીટ આપીને આ વોર્ડનું સુકાન તેમને સોંપાવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગત્ ટર્મમાં પ્રથમ ભાગમાં ડેપ્યુટી મેયર રહેલાં વોર્ડ નં.9ના બે વખત કોર્પોરેટર રહી ચુકેલાં ભરત મહેતાને કોઇ દેખીતા કારણ વગર અને ભાજપના કોઇ ચોક્કસ નેતાના અણગમાના કારણે પડતા મુકવામાં આવ્યા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે. પૂર્વ કોર્પોરેટરમાંથી એકમાત્ર કોર્પોરેટરને ભાજપે આ વોર્ડમાં ફરી ટિકીટ આપી છે. કુસુમબેન પંડ્યા સિવાય અન્ય ત્રણ ઉમેદવાર નવા છે. આ વોર્ડમાંથી જૈન સમાજના કોટામાં નિલેશ કગથરાને ભાજપે ટિકીટ આપી છે. તેઓ 2010 થી 2015 દરમિયાન વોર્ડ નં.5ના ભાજપના કોર્પોરેટર હતાં. અહિંથી ગત્ વખતે ચૂંટાયેલા ભાજપના સિનિયર મોસ્ટ કોર્પોરેટર પ્રવિણ માડમને છ ટર્મ અને વયમર્યાદાનો નિયમ નડી ગયો છે. ગત્ વખતે સોની સમાજમાંથી આવતા રીટાબેન ઝીંઝુવાડિયાને ટિકીટ અપાઇ હતી અને તેઓ ચૂંટાયા હતાં પરંતુ આ વખતે એક મહિલા બેઠક ઓબીસી અનામત થવાથી સોની સમાજના પ્રતિનિધિરૂપે પુરૂષ ઉમેદવાર તરીકે ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી તરીકે નવા ચહેરા તરીકે તક આપવામાં આવી છે. જ્યારે ઓબીસી મહિલા ઉમેદવાર તરીકે ધર્મીનાબેન ગુણવંતભાઇ સોઢાને ટિકીટ આપવામાં આવી છે. તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિના વર્તમાન ચેરમેન આ વોર્ડના ભૂતપૂર્વ કોર્પોરેટર આકાશ બારડના બહેન થાય છે.

વોર્ડ નં. 10 માંથી પાંચ વખત ચૂંટાયેલા હોવાથી તત્કાલિન મેયર હસમુખ જેઠવાને ભાજપે બ્રેક આપ્યો છે. પરંતુ તેમને સાચવવાની મજબુરી જણાતા તેમના પુત્ર પાર્થને ભાજપે ટિકીટ આપી છે. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન કમલેશભાઇ સોઢાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર નટુભાઇ રાઠોડના સ્થાને જ્ઞાતિ બેલેન્સની ફોર્મ્યુલાના ભાગરૂપે કડિયા સમાજને સાચવવા નટુભાઇના પત્ની આશાબેન રાઠોડને ભાજપે ટિકીટ આપી છે. જ્યારે નવા ચહેરા તરીકે મુકેશ માતંગને મેદાનમાં ઉતારાયા છે.

વોડ નં.11 માંથી પાંચ ટર્મ સુધી કોર્પોરેટર રહેલાં સતવારા સમાજના લાડકવાયા ગણાતા જશરાજ પરમારના વિકલ્પરૂપે તેમના જ પુત્ર તપન પરમારને ભાજપે યુવા ચહેરા તરીકે ઉમેદવાર બનાવી ટિકીટ આપી છે. આ ઉપરાંત વોર્ડ નં.5ના પૂર્વ કોર્પોરેટર, શાસકપક્ષના ભૂતપૂર્વ નેતા અને જામનગર શહેર ભાજપમાં અગાઉ ત્રણ ટર્મ મહામંત્રી રહેલાં ધર્મરાજસિંહ જાડેજાને ભાજપે અહિંથી ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે અન્ય બે ઉમેદવાર તરીકે નવા ચહેરા એવા હર્ષાબેન હિનલભાઇ વિરસોડિયા અને તરૂણાબેન ભરતભાઇ પરમારને ટિકીટ આપવામાં આવી છે.

વોર્ડ નં.12 ભાજપ માટે કોઇ બેઠકની મોટી આશા રાખવાવાળો નથી. કેમકે અહિં 70 ટકા જેટલા મત લઘુમતી સમાજના છે. જ્યારે બાકીના મતોમાં પણ દલિત અને ઓબીસી જ્ઞાતિઓના મતદારનું પ્રમાણ સવિશેષ છે. આ વોર્ડમાં ભાજપ હજુ સુધી સફળતા મેળવી શક્યું નથી. આથી આ વખતે પણ જો નફો થાય તો તે બધો વકરો ગણાશે તેમ માનીને કાર્યકરને ટિકીટ આપવામાં આવી છે. ચારેય ઉમેદવાર ભાજપ માટે આ વખતે નવા ચહેરા છે. અંજલીબેન ભાવેશભાઇ પરમાર, સોનલબેન પ્રકાશભાઇ રાઠોડ, રફીકભાઇ અલારખાભાઇ ગઢકાઇ અને અહેજાજ અબ્દુલસતાર હાલાને ભાજપે ટિકીટ આપી છે.

વોર્ડ નં.13માં ત્રણ ટર્મ પુરી થવાને કારણે ભાનુશાળી સમાજના અને વોર્ડના લોકપ્રિય કોર્પોરેટર તથા ભૂતપૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન એડવોકેટ મનિષ કનખરાને પણ નવા નિયમને કારણે ટિકીટ ગુમાવી પડી છે. તેમના સ્થાને યુવા ચહેરા તરીકે મોહિત મુકેશભાઇ મંગીને ટિકીટ અપાઇ છે. તેઓ યુવા મોરચામાં મંત્રી તરીકે કાર્યરત છે. આ વોર્ડના પૂર્વ કોર્પોરેટર એડવોકેટ કેતન નાંખવાને ફરી ટિકીટ આપવામાં આવી છે અને વોર્ડનું સુકાન સોંપવામાં આવ્યું છે. પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન નંદાણી અને રેખાબેન ચૌહાણને પણ ટિકીટ આપવામાં આવી નથી. તેમના સ્થાને પ્રવિણાબેન જેરામભાઇ રૂપાળિયા અને બબીતાબેન મુકેશભાઇ લાલવાણીને ટિકીટ અપાઇ છે. આમ આ વોર્ડમાં ચારમાંથી ત્રણ ઉમેદવાર નવા છે.

વોર્ડ.નં.14માં બે બેઠક અનામત કોટામાં જતી રહેવાથી ભાજપના ત્રણ પૂર્વ કોર્પોરેટરોની ટિકીટ કપાઇ ગઇ છે. પૂર્વ કોર્પોરેટર લીલાબેન ભદ્રાને ફરી ટિકીટ મળી છે. જયારે માજી મેયર પ્રતિભાબેન કનખરા અચાનક આવેલા નવા નિયમને કારણે તથા વોર્ડની બદલાયેલી પરિસ્થિતિને કારણે ચુંટણી મેદાનમાંથી બહાર થઇ ગયા છે. આ જ રીતે સિનિયર કોર્પોરેટર દિનેશ ગજરાની ટિકીટ ગઇ છે. જયારે પૂર્વ કોર્પોરેટર મનીષ કટારીયાને ટિકીટ આપીને આ વોર્ડનું નેતૃત્વ અપાયું છે. નવા ઉમેદવાર તરીકે શહેર મહિલા મોરચાના શારદાબેન વિંઝુડા, જીતેશભાઇ શીંગાળાને ટિકીટ અપાઇ છે.

વોર્ડ.નં.15માં ભાજપે આ વખતે કશુ ગુમાવાનું નથી કેમ કે ગત વખતે આ વોર્ડની ચારેય બેઠક કોંગ્રેસ જીતી હતી. આથી આ વોર્ડમાં હવે સભ્યમાં ભાગ પડાવવા ભાજપે નવા મતદાર સમીકરણને ધ્યાનમાં રાખીને વ્યુહ અપનાવ્યો છે. ચારેય બેઠક ઉપર નવા ઉમેદવાર મુકવામાં આવ્યા છે. શોભનાબેન રસીકભાઇ પઠાણ, જયેશભાઇ લાધાભાઇ ઢોલરીયા, જયંતિભાઇ મંગાભાઇ ગોહિલની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા પ્રવિણસિંહ જાડેજાને ટિકીટ આપવામાં આવી છે. આ વોર્ડમાં સાડા આઠ હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. આ નવા મતદારોમાં ચાર હજારથી વધુ નવા મતદારો માત્ર પાટીદાર સમાજના છે. જેના ઉપર ભાજપે દાવ લગાડયો છે.

વોર્ડ.નં.16માં પણ પાટીદારોના મત નોંધપાત્ર સંખ્યામાં નવા ઉમેરાયા છે. જો કે 2015ની ચૂંટણીમાં આ વોર્ડ પાટીદાર અનામત આંદોલનનું એ.પી.સેન્ટર હતો અને તેના કારણે ભાજપે આ વોર્ડની ચારેય બેઠક ગુમાવી હતી. આ વખતે પાટીદાર આંદોલન જેવુ કોઇ ફેકટર નથી તેનો સીધો લાભ ભાજપ ઉઠાવશે તેમ મનાય છે. ગત વખતે હારી ગયેલા ગીતાબા મહાવીરસિંહ જાડેજાને આ વખતે વધુ એક તક આપવામાં આવી છે. મહાવીરસિંહ જાડેજા ભૂતકાળમાં આ વોર્ડના કોર્પોરેટર રહી ચુકયા છે અને ભાજપના સ્થાનિક અગ્રણી છે. જયારે અન્ય ત્રણ નવા ઉમેદવાર તરીકે ભારતીબેન અશોકભાઇ ભંડેરી, વિનોદભાઇ નાથાભાઇ ખીમસુરા અને પાર્થ પુરૂષોત્તમ કોટડીયાને ટિકીટ આપવામાં આવી છે. આમ ભાજપે અહીં બે પાટીદારોને મેદાનમાં ઉતાર્યા છે જયારે અનામત બેઠકને કારણે  દલિત સમાજના પ્રતિનિધિ તરીકે શહેર ભાજપના મંત્રી વિનોદ ખીમસુર્યાને પસંદ કરાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here