સનસનાટી : એ યુવાનની હત્યા પાછળ આરોપીની પત્ની સાથેનો પ્રેમ જવાબદાર, હત્યાનો ભેદ ઉકેલાયો

0
1019

જામનગર અપડેટ્સ :

લાલપુર તાલુકાના ગજણા ગામના સીમ વિસ્તારમાં બાવળની ઝાળીઓમાંથી બે દિવસ પૂર્વે મળી આવેલ યુવાનની કરપીણ હત્યા નિપજાવાયેલા મૃતદેહ બાદ જામનગર પોલીસે હત્યા પ્રકરણનો ભેદ ઉકેલી નાખી બે આરોપીઓને દબોચી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. શ્રમિક મહિલા સાથેના પ્રેમ પ્રકરણની જાણ થઇ જતા આરોપી પતિએ અન્ય શખ્સ સાથે મળીને યુવાનની હત્યા નિપજાવી હોવાની વિગતો જાણવા મળી છે. હત્યા નિપજાવી એમ.પી. નાશી ગયેલા બન્ને આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઇ છે અને બન્નેની અટકાયત કરી લેવામાં આવી છે. કોવિડ ટેસ્ટ બાદ આરોપીઓની વિધિવત ધરપકડ કરી સત્તાવાર વિગતોની પોલીસ જાહેરાત કરશે.

લાલપુર પંથકમાં ગજણા ગામની સીમ વિસ્તારમાં નદીના બેઠા પુલ પાસે બાવળની ઝાડીઓમાં કોઇ મૃતદેહ હોવાની જાણ સ્થાનિક વ્યકિતએ પોલીસને કરતા પીએસઆઇ બી.એસ.વાળા અને સ્ટાફના ટી.બી. જાડેજા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.આ મૃતક યુવાનના માથા અને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકાયેલા જોવા મળ્યા હતા.જયારે બાજુમાં પડેલા બાઇકના આધારે પોલીસે તપાસ શરૂ કરતા મૃતક યુવાનની ઓળખ સાંપડી હતી. જેમાં મૃતક યુવાન જયેશ કરમશીભાઇ મઘોડીયા(ઉ.વ.30) હોવાનુ તેના ભાઇ નિલેશભાઇ મઘોડીયાએ ઓળખી બતાવ્યુ હતુ.હત્યાનો ભોગ બનેલા યુવાનનુ પાકિટ અને મોબાઇલની પણ લૂંટ ચલાવાઇ હોવાનુ સામે આવ્યુ છે.બનાવની ફરીયાદના આધારે લાલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભુત હોવાની આશંકા સાથે પોલીસે તમામ પાસાઓને લક્ષમાં રાખી તપાસ શરૂ કરી હતી.

ગજણા ગામે વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા શ્રમિક પરિવારની એક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધ હોવાની વિગતો જાણવા મળી છે. મૃતક જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં મજુરી કામ કરવા જતો રહ્યા બાદ જયારે-જયારે ગામડે આવતો ત્યારે-ત્યારે બન્ને મળતા હોવાની આશંકાને લઇને તેણીના પતિ અને અન્ય એક શખ્સે ઘટનાની રાત્રે ગામડે આવેલા શખ્સને પતાવી દેવાના ઇરાદાથી કોસ વડે હુમલો કરી માથાના ભાગે ઘા ફટકારી કરપીણ હત્યા નિપજાવી હતી. ત્યાર બાદ આ બન્ને શખ્સોએ રાત્રે જ વતનની વાટ પકડી લીધી હતી. સવારે સામે આવેલા બનાવને પગલે પોલીસની એક ટીમ તાત્કાલિક નાશી ગયેલા આરોપીઓના સગડ મેળવવા એમ.પી. તરફ રવાના થઇ હતી. ગઇકાલે આ ટીમે બન્ને શખ્સોને પકડી પાડયા હતા અને જામનગર લઇ આવવા માટે રવાના થયા હતા. આજે પરત આવી બન્ને આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આ બનાવ અંગેની વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here