જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ નજીક એલસીબી પોલીસે મોડી રાત્રે વોચ ગોઠવી એક રાધે હોટેલ પાસેથી એક કારને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી છે. જેમાં જામનગરના બુટલેગરની સંડોવણી સામે આવી છે.
સાતમ-આઠમના તહેવારોમાં જામનગરમાં વિદેશી દારૂની સપ્લાય થતી રોકી એલસીબીએ ૧૨૦ બોટલ દારૂ સાથે કારને આંતરી લીધી હતી. જેની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી માટલી નજીક એલસીબીએ ગત રાત્રે એકાદ વાગ્યે રાધે હોટેલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને સ્ટાફે આંતરી લીધી હતી. જેમાં કારમાં સવાર રાજકોટ જીલ્લાના જામકંડોરણાના યુવરાજસિંહ ઉર્ફે ભીખો નાથાલાલ જાડેજા અને રાજકોટમાં જામનગર રોડ પર રહેતા નિર્મળસિંહ ઉર્ફે ભોલો ગુલાબસિંહ જાડેજા નામના બંને સખ્સોના કબજાની કારમાંથી રૂપિયા ૪૮૦૦૦ની કીમતનો ૧૨૦ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે બંને સખ્સોની પ્રાથમિક પુછપરછ કરી હતી જેમાં આ જથ્થો સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં રહેતા જે ડી નામના સખ્સે જામનગરના ઘનશ્યામસિંહ જાડેજાને સપ્લાય કરવા મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંને સખ્સોને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.