જામનગર: હાલારના બંને જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીના આજના અંતિમ દિવસે ભારે મેઘાવી માહોલ રચાયો છે. પરંતુ ગાજયા મેઘ વરસ્યા નહિ જેવો ઘાટ જોવા મળ્યો છે. ભારે મેઘાડંબર વચ્ચે જાપટાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
સવારના છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૯ તાલુકાઓમાં જાપટાથી માંડી એક ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામજોધપુરમાં એક ઇંચ, જામનગરમાં પોણો ઇંચ, જોડિયાના લાલપુરમાં અડધો ઇંચ તેમજ કાલાવડમાં જાપટા પડ્યા હતા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ભાણવડમાં અડધો ઇંચ, અને કલ્યાણપૂર તાલુકામાં એક ઇંચ વરસાદ જ્યારે દ્વારકામાં ત્રણ મીમી રૂપી જાપટા પડ્યા હતા.