જામનગર : જામનગર નજીક વિજરખી પાસે ચાલુ એસટી બસમાં બે સખ્સો વચ્ચે થયેલ બોલાચાલી બાદ મામલો બીચકતા એક શખ્સે અન્ય યુવાનની ઘાતકી હત્યા નીપજાવી દેતા સનસનાટી મચી જવા પામી છે. મુસાફરો તથા અન્ય લોકોએ આરોપીને તાત્કાલિક આંતરી લઇ મેથી પાક ચખાડી બાંધી દીધો હતો. જો કે કયા કારણોસર બોલાચાલી થવા પામી તે સ્પષ્ટ થયું નથી પોલીસે સ્થળ પર પહોચી આરોપીનો કબજો સંભાળી લીધો છે.

ફિલ્મી ઢબે નીપજાવાયેલ હત્યાના આ બનાવની વિગત મુજબ, જામનગર બસ સ્ટેશનમાંથી ઉપડેલી જામનગર-જુનાગઢ રૂટની બસ જુનાગઢ રવાના થઇ હતી. જેમાં બેસેલ બે યુવાનો વચ્ચે ચાલુ બસે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. બસ જામનગર નજીક જ વિજરખી પહોચી ત્યારે એકાએક બંને સામસામે આવી ગયા હતા. અને એક યુવાને પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી હિતેશ પંડ્યા ઉવ ૪૦ નામના યુવાનને ઉપરા ઉપરી ઘા મારી મોત ને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે એસટી ચાલકે બસ થંભાવી દીધી હતી અને અન્ય મુસાફરો તથા એકત્ર થયેલ લોકોએ આરોપીને આંતરી લઇ મેથી પાક આપી બાજુની હોટેલના સિમેન્ટ પોલ સાથે બાંધી દઈ પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે.