જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે પુરમાં તણાયેલ ત્રણ પૈકીના એક યુવાનનો આબાદ બચાવ થયો હતો જ્યારે અન્ય એક હતભાગી એક્સ આર્મીનો મૃતદેહ ગઈ કાલે જ મળી ગયો હતો. જ્યારે લાપતા બનેલા એક યુવાનનો આજે સાંજે ઘટના સ્થળથી પાંચ કિમિ દૂર ઝાળીઓમાંથી મળી આવતા હોનારતનો મૃતયાંક બે થયો છે. એનડીઆરએફની ટીમે દિવસ દરમિયાન શોધખોળ કરી કરી હતી.
કલ્યાણપુર પંથકની હચમચાવી દેનારા બનાવની વિગત મુજબ, તાલુકામાં હડમતીયા ગામે પડેલા ભારે વરસાદના કારણે ગામની ભંગ નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ત્રણ યુવાનો ફસાઇ ગયા હતા. એક-બીજાના સહારે ધસમસતા પૂરનો પ્રવાહ ઓળંગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે આ ત્રણેય પૈકીના એક યુવાનનો પગ લપસી ગયો હતો અને આ યુવાનને બચાવવા જતા અન્ય બે યુવાનો પણ ધસમસતા પૂરમાં તણાઇ ગયા હતા. ત્રણેય યુવાનો એક્સ આર્મીમેન હોવાનું અને હડમતીયા નજીક આવેલી ક્રેઇન ઇન્ડિયા કંપનીમાં સૂરક્ષાકર્મી તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. મશરી રાવલિયા, જયદીપ જોશી,રણમલ વરુ નામના ત્રણેય સિક્યુરિટી જવાનો ગઈ કાલે તણાયા હતા. જેમાં રણમલ નથુભાઇ વરૂનો બચાવ થયો હતો.જયારે વિપ્ર યુવાનનો મૃતદેહ ભોગાત પાસેથી મળ્યો હતો. જયારે અન્ય મશરીભાઇ રાવલીયા નામનો યુવાન પૂરના ધસમસતા પાણીમાં લાપત્તા બનતા સ્થાનિક યુવાનો અને ફાયરની ટિમ બાદ એનડીઆરએફની ટિમ જોડાઈ હતી. રાત પડી જતા શોધખોળ બંધ કરવામાં આવી હતી. જ્યારે આબાદ બચી ગયેલ યુવાનને સારવાર આપવામાં આવી હતી અને મૃતક યુવાની દ્વારકા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. આજે સવારે ફરી થી છેક 20 કિમીના વિસ્તરના વહેણમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘટના સ્થળ નજીક પાંચેક કિમિ દૂર જાળીઓ માંથી યુવાનનો દેહ મળી આવ્યો હતો. યુવાનનો મૃતદેહ મળી આવતા દુર્ઘટનાનો મૃતયાંક બે થઈ ગયો હતો. છેવટે મૃતદેહ જ હાથ લાગતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.