દેવભૂમિ દ્વારકા જીલ્લો : કિલ્લેશ્વરથી જગતમંદિર સુધી મેઘાની ધીંગી ઇનિંગ

0
1437

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગત રાત્રીથી આજે રવિવાર બપોર સુધીમાં તમામ તાલુકાઓમાં અડધાથી માંડી ચાર ઇંચ ધીંગો વરસાદ વરસી ગયો છે. આ વર્ષે મેઘરાજ ભાણવડ તાલુકા પર એકંદરે સૌથી વધુ હેત વરસાવી રહ્યા છે. મોડી રાત્રે બાર વાગ્યાથી શરુ થયેલ વરસાદી માહોલે ભાણવડ શહેર તાલુકામાં પાણી પાણી કરી દીધું હતું. જેમાં ભાણવડમાં ત્રણ ઇંચ, ગુંદામાં બે ઇંચ, વેરાડમાં ચાર ઇંચ, પાછતરમાં અઢી ઇંચ, મોડપરમાં ત્રણ ઇંચ, મોરઝર ગામમાં ચાર ઇંચ જેટલો ધીંગો વરસાદ વરસી જતા સવાર સુધીમાં પાણી પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત મોટા કાલાવડ, મેવાસા, મોડપર, ટીંબડી, કલાણપર, કાટકોલા, શિવા અને વાનાવડ તે,મજ જસાપર સહિતના ગામડાઓમાં સારો વરસાદ પડી જતા નદી-નાળા છલકાઈ ગયા હતા તો ખરીફ પાક ઉપર વરસેલ આ વરસાદ ખરેખર કાચું સોનું સાબિત થયો છે. આ જ રીતે ખંભાલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધાથી બે ઇંચ વરસાદના વાવડ મળ્યા છે. જયારે કલ્યાણપૂરના લાંબા, ભોગાત, ભાટવાડિયા, આસોટા, રાણ, લીમડી, ભાટિયા, કલ્યાણપુર, કેનેડી, બાકોડી, નારણપર સહીત આજુબાજુના ગામડાઓમાં સચરાચર વરસાદ પડ્યો હતો. બીજી તરફ આ મેઘાવી માહોલ આજે દ્વારકા સુધી પહોચ્યો છે. દ્વારકામાં મોષમનું પ્રથમ હેત વરસ્યું હતું. બીજા રાઉન્ડમાં સારો વરસાદ થઇ જતા ખેડૂતોમાં આનંદ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here