ભ્રષ્ટાચાર : સરકારી ચોપડે ખેડૂત બનવાની કીમત કેટલી ? ૨૫ લાખ.. સાચું છે, વાંચો આવો છે કિસ્સો

0
623

જામનગર : અમદાવાદના ધોળકામાં મામલતદાર અને તેના મળતિયો ૨૫ લાખની લાંચ લેતા પકડાઈ ગયા છે. જમીનમાં ક્ષેત્રફળ સુધારણા અને બિન ખેડૂતમાંથી ફરી ખેડૂત બનાવી દેવા માટે એક આસામી પાસેથી સરકારી બાબુએ મોટી લાંચ માંગતા એસીબીની ટ્રેપમાં સપડાઈ ગયા છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર વધુ એક વખત ઉઘાડો પડ્યો છે.  રાજ્યમાં પોલીસ અને મહેસુલ તંત્રમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું અનેક વખત પુરવાર થયું છે.

રાજ્યમાં એસીબી દ્વારા થતી મોટાભાગની ટ્રેપમાંથી આ બંને વિભાગના સરકારી બાબુઓ વધુ હોય છે. ત્યારે વધુ એક વખત મહેસુલ તંત્ર એસીબીની ઝપટે ચડ્યું છે. અમદાવાદના ધોળકા તાલુકા મથકે મામલતદાર તરીકે ફરજ બજાવતા હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર અને તેના મળતિયા-વચેટિયાની ભૂમિકામાં રહેલ જગદીશભાઈ જેઠાભાઈ પરમાર નામના વ્યક્તિને રૂપિયા ૨૫ લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. એક જાગૃત નાગરિકે ધોળકા તાલુકાના બદરખા ગામની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડુતમાંથી બિનખેડુત કરેલ જે ફરી ખેડુત કરવા અંગેની અરજી મામલતદાર કચેરીમાં કરી હતી જેની સામે કામ કરી આપવામાં માટે અને ખેડુત તરીકે કાયમ કરવા મામલતદારે રૂ.૨૫,૦૦,૦૦૦ની માંગણી કરી હતી. આ બાબતની નાગરિકે એસીબીને રાવ કરી હતી. જેને લઈને એસીબી અમદાવાદ એસીબીના કે વાય વ્યાસની ટીમે ગઈ કાલે મામલતદાર કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં મામલતદાર અને વચેટીયો આબાદ સપડાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here