જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે રહેતી એક મહિલા સાથે તેના દુર ના મામાના દીકરાએ અન્ય સખ્સો સાથે મળી છ લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. ખાનગી કંપનીમાં રૂપિયા રોકવાથી પાંચ વર્ષના અંતે અનેક ગણું વ્યાજ મળવાની લાલચ આપી ત્રણ સખ્સોએ સમયાંતરે મહિલા પાસેથી છ લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની વિગતો જાહેર થઇ છે.
ધ્રોલમાં વાણંદ શેરી દેરાસરની સામે રહેતા હેતલબેન લવકુમાર વૈષ્ણવ નામના મહિલા સાથે થયેલ છેતરપીંડીની ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે ફરિયાદ મુજબ, પાંચેક મહિના પૂર્વે તેણીના સુરત રહેતા દુરના મામાના દીકરા ઉપેન્દ્રભાઇ ધીરજભાઇ નિરંજનીએ તેણીને ક્યુનેટ કંપની સાથે જોડાઈ રોકાણ કરવાની લાલચ આપી હતી. ઉપેન્દ્રભાઈએ તેણીનો પરિચય અન્ય બે સખ્સો રાકેશકુમાર ચુનીલાલ પટેલ અને નિશાંત પ્રજાપતી સાથે કરાવી જુમ મીટીંગ કરાવી હતી. જેમાં આ બંને સખ્સોએ કપની સાથે જોડાઈ, જો છ લાખનું રોકાણ કરવામાં આવે તો પાંચ વર્ષ પછી પાંચ કરોડ રૂપિયા રોકડા અને પછી મહીને સવા નવ લાખ રૂપિયા મળશે. લાખોના રોકાણમાં કરોડોનો ફાયદો જણાતા હેતલબેને આ બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાં સમયાંતરે રૂપિયા રૂ.૬,૦૦,૦૦૦/- (છ લાખ રૂપીયા) ટ્રાન્સફર કાર્ય હતા.
બે ત્રણ મહિના બાદ આરોપીઓએ ઘરેણા મોકલાવી મહિલાને વધુ આકર્ષિત કરી હતી. જો કે ત્યારબાદ મહિલાને એવું લાગ્યું હતું કે વળતર તો ઠીક મૂડી પણ નહિ મળે, જેને લઈને તેણીએ બંને સખ્સો પાસે મૂડી પરત કરવાની માંગણી કરતા બંને સખ્સોએ અન્ય ગ્રાહકોને શોધી લાવવા કહ્યું હતું. જેથી પોતાના રૂપિયા પરત કરી શકે, મહિલાએ એમ કરવાની ના પાડી તો આરોપીઓએ આજ દીન સુધી રૂપિયા પરત નહી આપી તેની સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી છે. જેને લઈને ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ આર.કે.મકવાણા સહિતનાઓએ સુરત સુધી તપાસ લંબાવી છે.