
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરની ગોદમાં જંગલ વિસ્તારમાંથી બે માનવા ખોપરી સહિતના માનવ કંકાલ મળી આવ્યા છે. બંને કંકાલ પ્રેમી પંખીડાના છે કે પછી અન્ય કોઈના? બંનેએ આત્મહત્યા કરી છે કે પછી બંનેને પતાવી દેવામાં આવ્યા છે ? કે પછી હિંસક પ્રાણીનો ભોગ બન્યા છે બંને? જો કે પ્રાથમિક પોલીસ તપાસમાં બંનેએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે છતાં પણ તમામ બાબતોનો તાગ મેળવવા ભાણવડ પોલીસ દ્વારા બંનેની ઓળખ સહિતની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે.

બરડા ડુંગર વિસ્તારમાં આવેલ કિલેશ્વર નેશથી આગળ આવેલ સાબર બ્રીડીંગ સેન્ટર ધોરા ઘૂનાની ઉતર દિશાએ વાદળી વાળી જરમાં અંદરના ભાગેથી ગઈ કાલે ગુરુવારે સાંજે પાંચેક વાગ્યે બે માનવ ખોપરી સહિતના કંકાલ મળી આવ્યા હતા. આંબલીના ઝાડ સાથે સુતરની દોરીથી ગલેફાસો ખાધેલ હાલતમાં એક યુવાન અને યુવતીના કંકાલમાં ફેરવાયેલ મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બંને પ્રેમી પંખીડા હોવાનો તાગ પોલીસે લગાવ્યો છે સમાજના ડરથી કે અન્ય કોઈ કારણથી બંને એ ઝાડ સાથે દોરી બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો પ્રાથમિક અંદાજ ભાણવડ પોલીસે લગાવ્યો છે.

બંને ખોપરી અને શરીરના અન્ય ભાગના કંકાલ થોડે અંતરે વિખેરાયેલ મળી આવ્યા છે. આ બંને દેહ કોના છે ? કેટલા દિવસ પૂર્વે આ બનાવ બન્યો છે ? બનાવ આપઘાતનો છે કે પછી અન્ય કોઈ કારણ છે? સહિતની કડીઓ મેળવવા પોલીસે બંનેના વિસેરાને એફએસએલમાં મોકલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેને ઓળખ થયે વધુ વિગતો બહાર આવશે એમ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.