જામનગર અપડેટ્સ: જામનગર બાજરા સંસોધન કેન્દ્રમાં ફરજ બજાવી નિવૃત થયેલ પ્રોફેસરને તગડા વ્યાજ સહિતની રકમની લાલચ આપી અડધા કરોડનું રોકાણ કરાવી સાયબર ગઠીયાઓ છેતરપીંડી કરી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. એક મહિલાએ પ્રથમ ફોન કરી વૃદ્ધને રોકાણ કરવા મનાવ્ય બાદ અન્ય બે સખ્સો મેદાને આવ્યા હતા અને ત્રણ મહિનામાં અડધા કરોડનું રોકાણ કરાવી ફરી ગયા હતા. એક સખ્સ તો જામનગર સુધી પહોચી આઠ લાખની રોકડ પણ લઇ ગયો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ કિંગ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા સામજીભાઈ ડાયાભાઈ અટારાને ગત જુલાઈ માસના ગાળા દરમિયાન સ્વેતા નામની યુવતીનો ફોન આવ્યો, યુવતીએ પોતાની ઓળખ ઇન્દોરની કન્ફ્લુએન્સ રીસર્ચ નામની શેર માર્કેટમાં રોકાણ કરતી કંપનીમાં નોકરી કરતી હોવાનું જણાવી તગડા વ્યાજની લાલચ આપી રોકાણ કરવા કહ્યું હતું. નિવૃત પ્રોફેસરે સ્વેતાના કહ્યા મુજબ 10 હજાર રજીસ્ટ્રેશન ફી ભરીને કંપનીમાં રોકાણ કરવા મન મનાવ્યું હતું. આ ઉપરાંત સીનીયર સિટીજનને આપવામાં આવતું ૨૫ ટકા ડિસ્કાઉન્ટ માટે વધુ ૫૦ હજારની માંગણી કરી પ્રોફેસર પાસે અડધા લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ત્યારબાદ કથિત કંપની દ્વારા જુદી જુદી કંપનીઓ શેર ખરીદવાની ટીપ્સ આપી રોકાણ કરવા આકર્ષિત કર્યા હતા. જેમાં વૃદ્ધને પ્રોફિટ થવા લાગ્યો હતો. ત્યારબાદ સ્વેતા મેડમ અહીંથી હટી ગયા અને હવે કથિત કંપનીનો મેનેજર બંટી શર્મા મેદાને આવ્યો હતો, નિવૃત પ્રોફેસરને કોલ કરી બંટી પ્રોફ્સેરને એક વર્ષમાં એક કરોડનો નફો રળી આપવાની લાલચ આપી રોકડમાં રોકાણ કરવાની સલાહ આપી હતી અને અંકિત નામના એક ગઠીયાને બે વખત જામનગર મોકલી તળાવની પાળ પાસે રૂપિયા સાડા આઠ લાખ રોકડા આપ્યા હતા. રોકડ રકમ જમા કરાવ્યા બાદ બંટી શર્માએ વૃદ્ધ પાસેથી જુદી જુદી બેન્કના એકાંઊંટ માંથી સમયાંતરે રૂપિયા ૨૨ લાખ ૯૫ હજાર ઓનલાઈન જમા કરાવી લીધા હતા.

હવે પૈસા ખલાસ થઇ જતા બંટીએ વૃદ્ધને તેઓની પત્નીના અઢાર લાખના શેરના એક્સેસ મેળવી લઇ એફઓ માં સોદા પાડી દીધા હતા. હવે વૃદ્ધ પાસે રોકાણ કરવા મૂડી ન બચતા તેઓએ સામેની ગઠીયા પાર્ટીએ પણ કોન્ટેક્ટ રદ કરી દીધો હતો આમ સાયબર ગઠીયાઓએ રૂપિયા ૫૦ લાખની ઓન લાઈન છેતરપીંડી આચરી હતી. આ બનાવ અંગે વૃદ્ધે સાયબર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સખ્સો સુધી પહોચવા જામનગર આવેલ ગઠીયાની વૃદ્ધ સાથેની સેલ્ફી અને ઓનલાઈન આર્થિક વ્યવહાર અંગે તપાસ શરુ કરી છે.