ટ્રેપ : આખરે 5 હજારના લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઇની ધરપકડ

0
1126

જામનગર અપડેટ્સ : જામનગર મહિલા પોલીસ દફતરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને મહિલા પીએસઆઇ વતી લાંચ પકડી પાડ્યો હતો. ચાર દિવસ સુધી ફરાર રહ્યા બાદ આજે એસીબીની ટીમે મહિલા પીએસઆઇની ધરપકડ કરી છે. મહિલા અધિકારી દ્વારા એક આસામી પાસેથી પાંચ હજારની લાંચ લેવામાં આવી હતી. જે તે સમયે એસીબીએ અધિકારી વતી લાંચ લેવા બાબતે કોન્સ્ટેબલને પકડી પાડ્યો હતો.

જામનગર પોલીસબેડામાં ચકચાર મચાવનાર એસીબી ટ્રેપની વિગતો મુજબ, શહેરમાં રહેતા એક આસામીની સાળીના અપહરણનો મામલો મહિલા પોલીસ દફતર સુધી પહોંચ્યો હતો. આ પ્રકરણમાં વ્યવસ્થીત અને સારી રીતે તપાસ કરવા મહિલા પીએસઆઇ યુ.એન. ભટ્ટએ આસામીને વારંવાર પોલીસ દફતરે બોલાવીને રૂા.5 હજાર લાંચની માંગણી કરી હતી. જોકે આ આસામી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને લઇને જામનગર એસીબીના પીઆઇ પરમાર સહિતના સ્ટાફે એસપી કચેરીની સામે આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવી હતી જેમાં મહિલા પીએસઆઇ વતી લાંચ લેવા આવેલા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા રૂા.5 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયા હતાં. એસીબી પોલીસે ટ્રેપ સફળ થઇ જતા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને ઉઠાવી લીધો હતો. જોકે આ છટકા સમયે પોલીસ દફતરમાં પીએસઆઇ ગેરહાજર હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા હતા.
એસીબીની ટીમે મહિલા પીએસઆઈ સુધી પહોંચવા માટે કોન્ટેબલને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. બીજી તરફ મહિલા પીએસઆઇના ઘરે ચેકીંગ કરતા એસીબીની ટીમને અધિકારી હાથ લાગ્યા ન હતા પરંતુ તેઓની સર્વિસ રિવોલ્વર કબજે કરવામાં આવી હતી. બીજી તરફ રિમાન્ડ પૂર્ણ થતાં કોન્સ્ટેબલને જેલ હવાલે કરાયો હતો. ચાર દિવસ સુધી ફરાર રહ્યા બાદ આજે એસીબીની ટીમે મહિલા પીએસઆઇ ભટ્ટની ધરપકડ કરી છે. આ ટ્રેપમાં મુખ્ય ભુમિકા આ અધિકારીની હોવાથી એસીબીની ટીમે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here