કસ્ટડી : મહિલા PSI ખુદ રિમાન્ડ પર, સાથી કર્મચારીઓ સુધી તપાસનો રેલો

0
904

જામનગર અપડેટ્સ : જામનગરમાં પાંચ દિવસ પૂર્વેના એસીબી ટ્રેપ પ્રકરણમાં સંડોવાયેલ મહિલા પીએસઆઈને એસીબી રાજકોટ દ્વારા દોઢ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. અનેક આરોપીઓના રિમાન્ડ લઇ પૂછપરછ કરનાર મહિલા પીએસઆઈ આજે ખુદ રિમાન્ડ પર લેવાયા છે. રાજકોટ એસીબી દ્વારા મહિલા પોલીસ દફતરનો અન્ય સ્ટાફ સંડોવાયો છે કે કેમ તેનો તાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે એક આસામી પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ લેવા મોકલેલ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો હતો. ત્યારબાદ પાંચ દિવસ સુધી મહિલા અધિકારી એસીબી ધરપકડથી દુર રહયા હતા.

જામનગરમાં એક આસામીની સાળીના અપહરણનો મામલો મહિલા પોલીસ દફતર સુધી પહોંચ્યો હતો. આ પ્રકરણમાં વ્યવસ્થીત અને સારી રીતે તપાસ કરવા મહિલા પીએસઆઇ યુ.એન. ભટ્ટએ આસામીને વારંવાર પોલીસ દફતરે બોલાવીને રૂા.5 હજાર લાંચની માંગણી કરી હતી. જોકે આ આસામી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને લઇને જામનગર એસીબીના પીઆઇ પરમાર સહિતના સ્ટાફે એસપી કચેરીની સામે આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં જ ટ્રેપ ગોઠવી હતી જેમાં મહિલા પીએસઆઇ વતી લાંચ લેવા આવેલા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા રૂા.5 હજારની લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયા હતાં. એસીબી પોલીસે ટ્રેપ સફળ થઇ જતા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને ઉઠાવી લીધો હતો. જોકે આ છટકા સમયે પોલીસ દફતરમાં પીએસઆઇ ગેરહાજર હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા હતા.

એસીબીની ટીમે મહિલા પીએસઆઈ સુધી પહોંચવા માટે કોન્ટેબલને કોર્ટ સમક્ષ રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. બીજી તરફ મહિલા પીએસઆઇના ઘરે ચેકીંગ કરતા એસીબીની ટીમને અધિકારી હાથ લાગ્યા ન હતા પરંતુ તેઓની સર્વિસ રિવોલ્વર કબજે કરવામાં આવી હતી. બીજી તરફ રિમાન્ડ પૂર્ણ થતાં કોન્સ્ટેબલને જેલ હવાલે કરાયો હતો. ચાર દિવસ સુધી ફરાર રહ્યા બાદ આજે એસીબીની ટીમે મહિલા પીએસઆઇ ભટ્ટની ધરપકડ કરી છે. આ ટ્રેપમાં મુખ્ય ભુમિકા આ અધિકારીની હોવાથી એસીબીની ટીમે કોર્ટ સમક્ષ રજુ આવતી કાલ સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ પર લીધા છે. તપાસકર્તા રાજકોટ એસીબી પીઆઈ આર આર સોલંકીના જણાવ્યા અનુસાર મહિલા પીએસઆઈની સાથે રહેલ અન્ય કર્મચારીઓની પણ સંડોવણી છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here