તેજસ્વીતા : જેને ભણવું જ છે એને કોઈ મુસીબત નડતી નથી, સાબિત કર્યું આ દીકરીએ

0
466

જામનગર : રાજકોટમાં રહેતા અને મકાન બાંધકામના કામમાં છૂટક મજૂરી કરતા દિનેશભાઇ રાઠોડની દીકરી રોશનીને ડોક્ટર બનવાની ઈચ્છા હતી. મજૂરીકામ કરીને માંડ માંડ પૂરું કરતા પરિવાર માટે તો આ સપના સમાન હતું કારણકે બે ટંક જમવાની વ્યવસ્થા કરવામાં પરસેવો વળી જતો હોય ત્યાં દીકરીના અભ્યાસ માટેનો મસમોટો ખર્ચ કેવી રીતે કરવો !

નામાંકિત ખાનગીશાળામાં ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિના કારણે એ શક્ય જ નહોતું. રોશનીને મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 93માં બેસાડવામાં આવી. સરકારી શાળામાં કોઈ ફી નહોતી અને યુનિફોર્મ તથા શિષ્યવૃતિ પણ મળતી હતી એટલે બીજી કોઈ મુશ્કેલી નહોતી. રોશનીએ 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ સરકારી શાળામાં જ કર્યો. આ શાળાના આચાર્ય વનીતાબેન અને સૌ શિક્ષકોએ રોશનીને પાયાના શિક્ષણની સાથે સાથે પ્રેમ અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું એટલે એક મજૂરની દીકરીને પોતે જોયેલું સપનું સાકાર થશે એવી આશા બંધાણી.

રોશની પરિવારની પરિસ્થિતિને ભૂલીને ખૂબ મહેનત કરતી. ધો.10માં એ 99.43PR લાવી અને ધો.12 સાયન્સમાં 99.53PR લાવી. મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે NEETમાં સારા માર્ક્સ લાવવા બહુ જરૂરી હતા. મોટા મોટા નામો વાળી નિટની પરીક્ષાની તૈયારી કરાવતી સંસ્થાઓની ફી તો આ પરિવારને કોઈ કાળે પોસાય એમ નહોતી. લોકો એવી વાતો કરતા કે કોચિંગ વગર આવી પરીક્ષામાં સારો સ્કોર કરવો શક્ય નથી પરંતુ રોશનીને પોતાની જાત પર વિશ્વાસ હતો. આ દીકરીએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કોચિંગમાં ગયા વગર જ મહેનત કરી.

મજૂરીકામ કરતા પરિવારની અને ધો.1 થી 8 સરકારી શાળામાં જ ભણેલી આ દીકરીને તાજેતરમાં વડોદરાની સરકારી મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મળી ગયુ. વર્ષો પહેલા ડોકટર બનવાનું આ દીકરીએ જોયેલું સપનું સાકાર થયું.

જેને ખુદ પર ભરોસો હોય એને ખુદા અવશ્ય સહાય કરતા હોય છે. જેને આગળ વધવું જ છે એ આગળ વધે જ છે. આર્થિક, સામાજિક કે શારીરિક કોઈ નબળાઈઓ એનો માર્ગ રોકી શકતું નથી.

લેખક : શ્રી શૈલેશ સગપરીયા, એકાઉન્ટ ઓફિસર, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here