જામનગર : આમ તો નબળા શિક્ષણ અને રાજકીય દાવપેચથી ખદબદતા વહીવટી તંત્રના કારણે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી અનેક વખત ચર્ચામાં આવી છે. પરંતુ હાલ પ્રોફેસરોની રંગીન વર્તણુકને લઈને બદનામી વહોરી રહી છે. કોલેજીયન યુવતીઓ સાથે આ જ પ્રોફેસરોએ જાતીય સતામણી કર્યાની ફરિયાદો ઉઠતા અને હા હો થઇ જતા યુનીવર્સીટીએ બે પ્રોફેસર અને એક પ્લેસમેન્ટ ક્લાર્કને ઘરે બેસાડી દેવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પ્રાધ્યાપકોની કોલેજીયન યુવતીઓ પ્રત્યેની કામુક પાપ લીલા છાપરે ચડીને પોકારી છે. જુદા જુદા ભવનના ત્રણ પ્રોફેસરો સામેં અમુક યુવતીઓએ જાતીય સતામણી સબબ ફરિયાદ કરી હતી જેને લઈને યુનીવર્સીટીની બદનામીમાં વધુ એક છોગું ઉમેરાયું હતું. જાતીય સતામણીની ફરિયાદના પગલે ઇન્ટરનલ કમ્લેઇન કમિટીએ તપાસ શરુ કરી હતી. બે દિવસથી આ સમિતિ તપાસ ચલાવી રહી છે. ત્યારે આજે વધુ બદનામીને રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કડક પગલું ભર્યું છે.
જેની સામે જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે તેવા પ્રોફેસર વિક્રમ વાંકાણી , ભગીરથસિંહ રાઠોડ અને પ્લેસમેન્ટ કલાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને કુલપતિએ તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય શિક્ષણ વિભાગમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય સામે યુવતીઓએ જાતીય સતામણીની અરજી કરી હતી.