લુંટ ડીટેકટ : અગાઉ મજુરી કરી ગયેલ શ્રમિક નીકળ્યો મુખ્ય સુત્રધાર,કાર પાલનપુર છોડી દેવાઈ

0
200

જામનગર : જામનગર નજીક ખોજા બેરાજા ગામે પખવાડિયા પૂર્વે થયેલ લુંટ પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. એલસીબીએ લુંટમાં સંડોવાયેલ ચાર સખ્સોને દબોચી લીધા છે. ચાર પૈકી એક સખ્સ અગાઉ ભોગગ્રસ્ત ખેડૂતને ત્યાં મજુરી કામ કરી ગયો હોવાનું સામે આવ્યું છે. એક યુવતી સહિતના પરિવારને સખ્ત માર મારી લુંટ ચલાવી લુટારુઓએ પરિવારને મકાનમાં પૂરી, એક કાર લઇ નાશી ગયા હતા. ભાણવડ ત્રણ પાટિયા-ધોરાજી થઇ આરોપીઓ પાલનપુર પહોચ્યા હોવાનું અને ત્યાં જ કાર રેઢી મૂકી મધ્ય પ્રદેશ ચાલ્યા ગયા હોવાનું પ્રકાસમાં આવ્યું છે. પોલીસે અગાઉ એક અને આજે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામે રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાની વાડીમાં ગત તા. ૨૧/૨ના રોજ લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયારો સાથે વાડીમાં ઘુસી આવેલ સખ્સોએ રામભાઈ અને તેના પરિવારના સભ્યોને સખ્ત માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી ૧૬ તોલા દાગીના, બે મોબાઈલ અને એક કાર સહીત રૂપિયા ૮.૬૨ લાખનો મુદ્દામાલ લુટી નાશી ગયા હતા. આ બનાવની સવારે જાણ થતા પંચકોશી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી હતી. લાંબી તપાસ બાદ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈની આગેવાની નીચે એલસીબીએ કારના આધારે આરોપીઓ સુધી પહોચવામાં સફળ થઇ હતી. જામનગર અને અન્ય જીલ્લાના સીસીટીવી ચેક કરી છેક સુધી કારનો પીછો કરવામાં સફળતા મળી હતી.
દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે આ લુંટ ખેડૂતની વાડીએ અગાઉ કામ કરી ચૂકેલ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના જ્ઞાનસિંગ બનેસિંહ દેવકાએ તેના સાગરીતો સાથે મળી કરી છે. જેને લઈને પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ સખ્સ હાલ બોટાદ જીલ્લાના રાણપર તાલુકાના નાગનેશ ગામે ખેત મજુરી કરતો હોવાની વિગતોને પગલે પોલીસે તેને ઉઠાવી લીધો હતો. જેમાં આ લુંટ તેના સાગરીતો દિનેશ રમણ મીનાવા, ભવન રાયસિંગ વાસુનીયા, બાજ્ડો આદિવાસી અને બીલું આદિવાસી સાથે મળી કરી હોવાની કબુલાત કરી હતી. જેને લઈને એલસીબીએ આ ચારેય સખ્સોનું પગેરું મેળવી પકડી પાડ્યા હતા.
પોતે અગાઉ કામ કરી ચુક્યો હોવાથી ખોજા બેરાજા ગામ અને તેની ભૂગોળથી પરિચિત હોવાથી લુંટમાં લીડ રોલ કર્યો હોવાની પણ જ્ઞાનસિંગે કબુલાત કરી છે. પોતે ચારેય સખ્સોને વતનથી ફોન કરી બોલાવી, જામનગરમાં સાત રસ્તા નજીક ભેગા થયા હતા અને એક રીક્ષા ભાડે કરી ખોજા બેરાજા ગામે પહોચ્યા હતા. અને લુંટને અજામ આપી, કાર લુંટી, લાલપુર, ભાણવડ ત્રણ પાટિયા થઇ ધોરાજી, રાજકોટ થઇ પાલનપુર ખાતે કાર રેઢી મૂકી વતન નાશી ગયા હોવાનું સામે આવ્યું હતું. જયારે જ્ઞાનસિંગ અહી જ રોકાઈ ગયો હતો.આરોપીઓએ મુદ્દામાલના સરખા ભાગ પાડી લીધા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે હાલ આરોપીઓ પાસેથી મુદ્દામાલ રીકવર કરવા માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here