જામનગર : અમુક પત્રકારોના પીળા પત્રકારત્વને કારણે જ સમગ્ર પત્રકારોની સામે પણ સવાલો ઉઠતા જ રહ્યા છે. ત્યારે રાજકોટમાં નકલી પત્રકાર બની એક દુકાનદારને સીશામાં ઉતારવા નીકળેલ નકલી પત્રકાર દંપતીને પોલીસે પકડી કાયદાનો દંડો ઉગામ્યો છે.
રાજકોટમાં સંત કબીર રોડ પર આવેલ આવકાર ફ્લાવર્સ નામની દુકાનનાં માલિક પાસેથી કોઈ બાબતે પત્રકાર બનીને ગયેલ એક મહિલાએ પોતે પત્રકાર હોવાનું કહી નકલી પ્લાસ્ટિકના ધંધા વિષે વાત કરી હતી. આ બાબતે રેડ કરવાની વાત કરી મહિલાએ પોતાની ઓળખ રીજ્વાના રાઉમા તરીકે આપી હતી. જો પતાવત કરવી હોય તો દોઢ લાખ રૂપિયા આપવા પડશે એમ મહિલાએ નફ્ફટાઈથી માંગણી પણ કરી નાખી હતી. દરમિયાન દુકાનદારે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને લઈને રાજકોટ પોલીસે દુકાને તોડ કરવા ગયેલ મહિલા અને તેના પતિ ઈમ્તીયાઝને આંતરી લીધા હતા. પોલીસે બંનેની સામે થોરાળા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંનેએ નકલી પત્રકાર બની ગેરકાયદેસર નાણા પડાવવાનો પ્રયાસ કરી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો હતો.
અગાઉ આજ દુકાનમાં નોકરી કરતા એક સખ્સને માલિક સાથે મનદુઃખ થતા તેને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો આ જ સખ્સે મહિલાને ટીપ આપી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે બ્લેક્મેઇલિન્ગ કરવા બદલ બંનેની સામે કાર્યવાહી હાથ ધરી, ટીપ આપનાર સખ્સ સુધી પહોચવા કવાયત શરુ કરી છે. આ બંને પાસેથી મળી આવેલ આઇકાર્ડ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. મહિલા પાસે મોરબીના કોઈ અખબારની નકલી કાર્ડ હોવાનું પણ સામે આવ્યું છે.