વિહંગાવલોકન : ૫૦ કોર્પોરેટર્સમાંથી કેમ પાંચની જ પદાધિકારી તરીકે પસંદગી, આવા છે સમીકરણો

0
693

જામનગર અપડેટ્સ : જામનગર મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની ભાજપએ કરેલી પસંદગીમાં શહેરની બે વિધાનસભા બેઠક અને જ્ઞાતિ બેલેન્સ કરવાનો પ્રયાસ ભાજપએ કર્યો છે. આ ઉપરાંત મહત્તમ વોર્ડને પ્રતિનિધિત્વ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક વોર્ડને સ્ટેન્ડીંગ કમિટિમાં સાચવી લેવાયા છે.

જામનગર મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીમાં મેયર બિનાબેન કોઠારી જૈન સમાજ અને 78 વિધાનસભામાં આવતા વોર્ડ.નં.5નું પ્રતિનિધિત્વ કરે છે. તો ડેપ્યુટી મેયર તપન પરમાર 78 વિધાનસભા બેઠકમાં આવતા વોર્ડ.નં.11નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ સતવારા સમાજના આગેવાન અને પૂર્વ સિનિયર કોર્પોરેટર જશરાજભાઇ પરમારના પુત્ર છે. તેમની જહેમતથી જ આ વોર્ડમાં ભાજપની પેનલ ચુંટાઇ છે.
સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે વરાયેલા મનીષભાઇ કટરીયા 79 વિધાનસભા હેઠળ આવતા વોર્ડ.નં.14નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કચ્છી ભાનુશાળી સમાજનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમની આગેવાનીમાં આ વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. આ વોર્ડ કચ્છી ભાનુશાળી જ્ઞાતિના મતદારનો ગઢ છે અને હંમેશા ભાજપને લીડ આપે છે પછી તે કોર્પોરેશનની, વિધાનસભા કે લોકસભાની ચુંટણી હોય.
શાસકપક્ષના નેતા તરીકે વરાયેલા કુસુમબેન પંડયા 79 વિધાનસભા બેઠકમાં  આવતા વોર્ડ.નં.9માંથી ત્રીજી વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચુંટાયા છે. જયારે દંડક તરીકે વરાયેલ કેતનભાઇ ગોસરાણી પણ 79 વિધાનસભા બેઠકમાં આવતા વોર્ડ.નં.8નું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ઓશવાળ મહાજન સમાજના આગેવાન છે.
આમ પાંચ પદાધિકારીમાં જોઇએ તો કેબિનેટ અને 79 જામનગર (દક્ષિણ)બેઠકના ધારાસભ્ય આર.સી.ફળદુના મતવિસ્તારના ત્રણ પદાધિકારી (ચેરમેન, નેતા, દંડક) આવ્યા છે તો રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજાના 78 જામનગર (ઉત્તર) વિધાનસભા હેઠળના વોર્ડના બે પદાધિકારી (મેયર અને ડેપ્યુટી મેયર)ની પસંદગી થઇ છે.
મેયરપદ જૈન સમાજને, ડેપ્યુટી મેયરપદ સતવારા સમાજને, સ્ટેન્ડીંગ કમિટિનું ચેરમેનપદ કચ્છી ભાનુશાળી સમાજને, શાસકપક્ષના નેતાનું પદ બ્રહ્મ સમાજને અને દંડકનું પદ મહાજન સમાજને મળ્યું છે. આમ પાંચ પદાધિકારીની પસંદગીમાં વિધાનસભા, નેતાઓના લોબીંગ, વોર્ડ અને જ્ઞાતિના સમીકરણને બેલેન્સ કરવાનો પ્રયાસ થયો છે.
આ જ રીતે સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય તરીકે 78 જામનગર વિધાનસભા વિસ્તારના પાંચ અને 79 જામનગર વિધાનસભા વિસ્તારના સાત સભ્ય (ચેરમેન સહિત) નિમાયા છે. આ 12 સભ્યોમાં પણ જ્ઞાતિ-વોર્ડ બેલેન્સ કરવાનો પણ પ્રયાસ થયો છે. આ સભ્યોમાં જુદા-જુદા 11 વોર્ડને પ્રતિનિધિત્વ મળ્યું છે તો કચ્છી ભાનુશાળી જ્ઞાતિને 1, બ્રહ્મસમાજને 1, રાજપુત સમાજના 2, આહીર સમાજના2, પટેલ સમાજના 2, ખાવસ જ્ઞાતિને 1, દલિત સમાજને 1, સિંધી સમાજને 1, જૈન સમાજને 1 બેઠક ફાળવાઇ છે.

આ છે સ્ટેન્ડીંગ કમિટિના સભ્યોની નામાવલી

1 મનિષભાઇ કટારીયા (વોર્ડ.નં.14) (ચેરમેન)
2 સુભાષભાઇ જોષી (વોર્ડ.નં.3)
3 જયરાજસિંહ જાડેજા (વોર્ડ.નં.2)
4 કેશુભાઇ માડમ (વોર્ડ.નં.4)
5 પૃથ્વીસિંહ ઝાલા (વોર્ડ.નં.4)
6 કિશનભાઇ માડમ (વોર્ડ.નં.5)
7 અરવિંદભાઇ  સભાયા (વોર્ડ.નં.7)
8 દિવ્યેશભાઇ અકબરી (વોર્ડ.નં.8)
9 નિલેષભાઇ કગથરા (વોર્ડ.નં.9)
10 ક્રિષ્નાબેન સોઢા (વોર્ડ.નં.10)
11 બબીતાબેન લાલવાણી (વોર્ડ.નં.13)
12 વિનોદભાઇ ખીમસુર્યા (વોર્ડ.નં.16)

નવા હોદેદારોની પસંદગીમાં સંકલન-વિવિધ તાલમેલ : ધનસુખ ભંડેરી

જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા 11 સભ્યો ઉપરાંત શાસકપક્ષના નેતા અને દંડકની પસંદગીની આજે ચુંટાયેલા કોર્પોરેટરો અને સંગઠ્ઠનના હોેદેદારોની સંકલન બેઠકમાં શહેર ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ જાહેરાત કરી હતી.
આ પસંદગીમાં વિધાનસભા વિસ્તાર, જ્ઞાતિ સમીકરણ, વોર્ડનું પ્રતિનિધિત્વ વિગેરે બાબતોને સંકલિત કરવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ધનસુખભાઇ ભંડેરી તેમજ શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરાએ જામનગર અપડેટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here