જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા તાલુકાના સોનારડી ગામે આજે સવારે સીમ વિસ્તારમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જતા બે કૌટુંબિક બહેનોના મૃત્યુ નીપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ક્ષત્રીય પરિવારની બંને બહેનોના જયારે મૃતદેહ બહાર કઢાયા ત્યારે પરિવારે આંક્રંદ કરતા ગમગીની છવાઈ ગઈ હતી.
ખંભાલિયા તાલુકાના વિરમદળ ગામે બે માસ પૂર્વે આકાશી વીજળી પડતા આહીર પરિવારના કાકી-ભત્રીજી સહીત ત્રણના મૃત્યુ નીપજ્યા હતા આ ગોજારી દુર્ઘટના આજે તાજી થઇ હોય તેમ વધુ એક ગોજારી ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના વિરમદળ ગામે આજે સીમ વિસ્તારમાં આવેલ પાણીના ખાડામાં કપડા ધોવા ગયેલ ક્ષત્રીય પરિવારની બે સગીરાઓ કોઈ પણ કારણસર ખાડાના પાણીમાં પડી જતા ડૂબી ગઈ હતી.
પીયુભા જોરુભા જાડેજા ઉવ ૧૭ અને ભાગ્યશ્રીબા ભરતસિંહ જાડેજા નામની બંને કિશોરીઓને પાણીનો ખાડો ગરક કરી જતા ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા હતા, જો કે બચાવકાર્ય થાય તે પૂર્વે જ બંને કિશોરીઓના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ભોગગ્રસ્ત બંને કિશોરીઓ કૌટુંબિક બહેનો થતી હોવાનું જાણવા મળ્યું છે. જો કે બનાવ કઈ રીતે બન્યો તેની વિગતો હાલ મળી નથી. પરંતુ આ અરેરાટીભરી ઘટનાને પગલે ક્ષત્રીય પરિવાર સહીત ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંને કિશોરીઓના મૃતદેહને પોલીસે કબજે લઇ ખંભાલીયા ખસેડી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી હતી.