ખંભાળિયા: વિંજલપરમાં વીજ કંપનીના કામમાં અડચણ, પરિવાર સામે ફરિયાદ

0
241

ખંભાળિયા નજીક પોરબંદર રોડ પર આવેલા વિંજલપર ગામના પરિવાર સામે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પરિવારે 220 કેવીની વીજ લાઈન પ્રસ્તાપિત્ત કરવામાં અડચણ ઊભી કરી વિજ લાઇનનું કામ બંધ કરાવી, ખાનગી કંપનીના માણસોને જાનથી મારી નાખવાની ધમકી આપી, રૂપિયા પાંચેક લાખનું નુકસાન પહોંચાડયાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામા આવ્યો છે.

ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામ ની સીમમાં રહેતા જયદીપભાઇ ભરતભાઈ કછટીયા, હીરાબેન ભરતભાઈ કછટીયા, રતનબેન રામજીભાઈ કછટીયા, ભાવનાબેન હસમુખભાઈ કછટીયા અને પૂનમબેન ભરતભાઈ કછટિયા સામે ખંભાળિયા પોલીસમાં વિનસોલ કંપનીમાં નોકરી કરતા કાનાભાઈ હમીરભાઇ મોઢવાડિયા નામના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.

વિનસોલ કંપની દ્વારા 220 કેવીની વીજ લાઇન પ્રસ્થાપિત કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન આરોપીઓના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના તાર તથા ટાવર ને ઉભો કરવા નહીં દઇ, કામમાં વિક્ષેપ નાખ્યો હતો. આ ઉપરાંત જે વળતર આપવામાં આવ્યું હતું તે નહીં સ્વીકારે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. બળજબરીપૂર્વક વળતર મેળવવા માટે આરોપીઓએ તેમના ખેતરમાં વીજ લાઈનનું કામ નહીં કરવા દઈ, કંપની કર્મચારીઓ સામે વાણી વિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ વીજ લાઇનના કામમાં આશરે એકાદ માસથી અડચણ ઊભી કરી રૂપિયા પાંચેક લાખની આર્થિક નુકસાની પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી કંપનીઓ પોતાની સત્તાના જોરે નિર્દોષ ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી મનમાની કરતી હોવાની અને ખેડૂતોના ઉભા પાક પરથી મશીનરી ચલાવી કામ કરી પાકને નુકસાની પહોંચાડતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. તંત્રને પણ આ બધું દેખાતું નથી સોશિયલ મીડિયામાં જ્યારે જે તે ખેડૂતો વિડિયો વાયરલ કરે છે ત્યારે આવી ઘટનાઓ સામે આવે છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી તો બીજી તરફ માલેતુંજાર કંપનીઓ પૈસાના જોરે નિર્દોષ નાગરિકો સામે ફરિયાદો નોંધાવી કાયદાનો ગેરફાયદો ઉઠાવતી હોવાના અક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વધારે વળતર માંગતા ખેડૂતો શું ખોટું કરે છે? દાદાગીરી પૂર્વક ઊભા પાકમાં મશીનરી ચલાવી દેવી એ કેટલી યોગ્ય? પોલીસે ખેડૂતોની વેદના પણ સમજવી જોઈએ, જિલ્લા પ્રશાસનને પણ રહેમરાહ રાખી કંપનીની તરફદારી ન કરવી જોઈએ એવી લોક લાગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here