જામનગર: ચાલુ કારનું ટાયર ફાટ્યું, જોડિયા પાસે ટ્રકે બાઈકને ઠોકર મારી, બેના મોત

0
973

જામનગર:  જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઇકાલે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કનસુમરાથી ખીજડીયા બાયપાસ બાજુ જઇ રહેલી એક કારનું ટાયર ફાટતાં કાર માર્ગ પર જઇ રહેલા અજાણ્યા ભીક્ષુકને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. જયારે જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ચાવંડી નજીક બે બાઈક સામસામે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈક પર જઈ રહેલા જામનગરના દંપત્તિને ગંભીર થઈ છે.

જીલ્લામાં જુદાજુદા ત્રણ અકસ્માતના બનાવમાં એક દંપતી ઘવાયું છે ત્યારે બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્ય છે. જેમાં જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિવેક રણછોડભાઇ કવાડ નામના ૨૧ વર્ષીય વિદ્યાર્થી અને ગૌરવભાઇ સુનીલભાઇ કણસાગરા ગઇકાલે બપોરના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં ઇનોવા ગાડી રજી નં. જીજે-૧૦-સીએલ-૫૦૩૬ લઇને તેમની કનસુમરા પાટીયા પાસે આવેલી સાઇડ પરથી ખીજડીયા બાયપાસ બાજુ જઇ રહયા હતા ત્યારે ઠેબા ચોકડીથી આગળ પહોંચતા કારનું ડ્રાઇવર સાઇડનું પાછળનું ટાયર અચાનક ફાટવાથી ડ્રાઇવર ગૌરવભાઇએ બ્રેક મારતાં માર્ગ પર જઇ રહેલા અજાણ્યા ભીક્ષુકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જયારે ગાડી પલટી ખાઇને નીચે ખેતરના શેઢા પર ઉંધી વળી ગઇ હતી. અને કારમાં સવાર ગૌરવભાઇ કણસાગરા અને વિવેક કવાડને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

આ અકસ્માત અંગે કાર ચાલક ગૌરવ કણસાગરા વિરૂદ્ધ વિવેક કવાડે પંચકોશી બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક અકસ્માત જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે થયો હતો. જેમાં જીજે૧ર–બીએકસ–૩ર૦૧ નંબરના ટ્રકના ચાલકે તરશીભાઈ હરીભાઈ નકુમ નામના યુવાનના જીજે૧૦–એએસ–૪૮૪૩ નંબરના બાઈકને હડફેટે લીધું હતું. જેથી બાઈક ફંગોળાઈ જતાં ચાલક યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. જેના લીધે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટૂકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી ગયો હતો. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે બ્લોક નંબર ૩૫માં રહેતા જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (૩૨), અને તેમના પત્ની રીટા (ઉ.વ.૩૯) કે જેઓ બન્ને ગત ૩૧ મી તારીખે પોતાનું બાઈક લઈને કાલાવડ નજીક ચાવંડી માં રહેતા પોતાના મોટાભાઈ ને મળવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. જેમના બાઈક ને ચાવંડી નજીક સામેથી આવી રહેલા જીજે ૧૦ એ.એચ. ૯૩૧૧ નંબરના બાઈક ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દંપતિ ને નાની મોટી ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, આ અકસ્માતના બનાવ અંગે કાલાવડ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here