જામનગર : એલસીબીના બે પોલીસકર્મીઓની બદલી, કારણ છે ચર્ચામાં

0
1191

જામનગર એલસીબી પોલીસ દફતરમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવતા અનેક ચર્ચાઓ વહેતી થઇ છે. તાજેતરમાં દારુ પ્રકરણમાં બંને પોલીસકર્મીઓએ ગોલમાલ કરતા બદલી કરવામાં આવી છે એવી ચર્ચાઓ છેડાઈ છે. તો બીજી તરફ આ બદલી પ્રક્રિયાને એએસપીએ આંતરિક બાબત ગણાવી છે. સાચું જે હોય તે પણ વર્ષોથી જુદી જુદી બ્રાન્ચોમાં જ ફરજ બજાવતા બંને પોલીસ કર્મીઓની બદલીને લઈએ પોલીસબેડામાં ચર્ચાઓ શરુ થઇ છે.

જામનગર એલસીબીમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ પરમાર અને ફિરોઝ દલની તાત્કાલિક અસરથી અનુક્રમે શેઠવડાળા અને બેડી મરીન પોલીસમાં બદલી કરી નાખવામાં આવી છે. એકાએક માત્ર બે જ પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. તાજેતરમાં એલસીબીએ લાલપુરના ખટિયા ગામનાં પાટીયા પાસેથી તોતિંગ વિદેશી દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. એલસીબીએ કરેલ કાર્યવાહી બાદ આ પ્રકરણમાં બદલી પામેલ બંને પોલીસકર્મીઓ સામે મલાઈ તારવી લીધાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. એલસીબી બ્રાંચથી શરુ થયેલ આ ચર્ચા અંતે સમગ્ર પોલીસ બેડામાં વ્યાપક બની હતી. જેને લઈને ખાતાકીય તપાસના આદેશ કરાયા હતા. અને અંતે બંને પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે.

એકાએક બંને પોલીસકર્મીઓની બદલીને લઈને એએસપી નીતેશ પાંડેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે બંને પોલીસકર્મીઓની બદલીએ ખાતાનો આંતરિક મામલો છે. પણ કૈક બાબત તો હશે જ, એવું પણ ઉમેર્યું હતું. સાચું જે હોય તે હાલ બંને પોલીસકર્મીઓની બદલીનો મુદ્દો સમગ્ર જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here