જામનગરના ખીમલીયા ગામે યુવાનની ક્રુરતાપૂર્વક હત્યા

0
2884

જામનગર નજીકના ખીમલીયા ગામે ગત મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવી છે. ગામના જ સખ્સોએ જૂની અદાવતમાં હુમલો કરી યુવાનનું ઢીમ ઢાળી દીધાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પંચકોશી બી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી, ગામમાં બંદોબસ્ત ગોઠવી તંગ સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગર પંથકમાં ચકચાર જગાવનાર હત્યાના આ બનાવની વિગત મુજબ, જામનગરની ભાગોળે આવેલ ખીમલીયા ગામે ગુરુવારે મોડી રાત્રે સીમ વિસ્તારમાં મહેશભાઈ કાનજીભાઈ વાઘોણા ઉવ ૩૩ નામના યુવાન પર હુમલો કર્યો હતો. બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓએ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા યુવાન ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેમનું સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં જ ઢળી પડેલ યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. આ ઘટના અંગે તાત્કાલિક પંચકોશી બી ડીવીજન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ડીવાયએસપી કૃણાલ દેસાઈ, પીએસઆઈ ચેતન કાટલિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લોહીના ખાબોચિયામાં નિષ્પ્રાણ થયેલ યુવાનનાં દેહનો કબજો સંભાળી પોલીસે સ્થળ પંચનામું કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે કોળી પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે. જુના મનદુઃખમાં ગામના જ અમુક સખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. મૃતક યુવાન પરિણીત હોવાનું અને તેની પત્નીનું નામ પૂનમ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રાત્રે જ શકમંદ આરોપીઓ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. બીજી તરફ ગામમાં ફેલાયેલ તંગદિલી વધુ તંગ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે મેડીકલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here