જામનગર: અકસ્માતમાં રિસોર્ટના સુપરવાઇઝરનું મોત, મેનેજર હેમખેમ

0
618

જામનગર નજીક લાલપુર રોડ પર પૂર ઝડપે દોડતી કાર પલટી જતા કારમાં સવાર પાંચ પૈકી એક યુવાનનું કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે આશીર્વાદ ક્લબ રિસોર્ટમાં નોકરી કરતા પાંચેય યુવાનો કિલેશ્વર તરફ ફરવા જતા હતા ત્યારે જામનગરની ભાગોળે અકસ્માતનો ભોગ બન્યા હતા.

જામનગરની ભાગોળે આવેલા આશીર્વાદ કલબ રિસોર્ટ હોટલમાં નોકરી કરતા પાંચ યુવાનોએ ભાણવડ પંથકમાં આવેલ કિલેશ્વર તરફ ફરવા જવાનો પ્લાન કર્યો હતો અને ગઈકાલે વહેલી સવારે પાંચેય સભ્યો ધાનાભાઈ વરૂની જીજે 10 સીજી 8829 નંબરની કાર લઇ રિસોર્ટથી કિલેશ્વર જવા નીકળયા હતા. દરમિયાન જામનગર લાલપુર ચોકડીથી આગળ લાલપુર જતા રોડ પર આવેલી ગોલાઈ પર સામેથી ટ્રક આવતો હતો. ત્યારે પુર ઝડપે દોડતી આ કારના ચાલક મુકેશભાઈ કરસનભાઈ ઓડેદરાએ કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ગઈ હતી. દરમિયાન રસ્તે પસાર થતાં લોકોએ કારના લોક થઈ ગયેલા દરવાજા તોડી અંદર ફસાઈ ગયેલ તમામ યુવાનોને બહાર કાઢ્યા હતા. જેમાં મુકેશભાઈ ઓડેદરાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય યુવાનોને નાની મોટી ઇજા પહોંચતા તાત્કાલિક 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં મુકેશભાઈને તબીબોએ ચકાસી મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતક સાથે રહેલા અને આશીર્વાદ ક્લબ રિસોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા ટેકસિંગ પ્રેમસીંગ થાપાએ પંચકોસી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક મુકેશભાઈ આશીર્વાદ હોટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કારમાં સાથે રહેલા અન્ય રમેશ બહાદુર, પીન્ટુ પાસવાન અને રણજીત પણ રિસોર્ટમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતા જ આશીર્વાદ ક્લબ રિસોર્ટ ના માલિક જેસાભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here