જામનગર : જામનગર નજીકના મોટી બાણુગાર ગામે આજે કરુણ ઘટના ઘટી હતી. પિતાનું દર્દ સહન નહી થતા પુત્રીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પિતાના દર્દ સામે પુત્રીએ ભરી લીધેલા અંતિમ પગલાને લઈને નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
જીવનમાં આવી પડેલ આફતને લઈને અનેક યુવા હૈયાઓએ જીવતર ટુકાવી લીધાના અનેક બનાવ સામે આવ્યા છે પરંતુ અન્યના દુ:ખથી દુઃખી થઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે જામનગરથી. જેમાં જામનગર તાલુકાના રાજકોટ રોડ પર આવેલ બાણુગાર ગામે આજે હેતલબેન લાલાભાઇ રતાભાઇ માટીયા (ઉ.વ.26) નામની યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે યુવતીના નાના ભાઇ હેમત માટીયાએ જાણ કરતા પંચકોષી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. મૃતકના ભાઇના નિવેદન મુજબ પિતાજી લાલાભાઇ ઘણા સમયથી માનસીક બિમારીમા પટકાયા હતા. અનેક ઉપચાર કરવા છતા તબિયત સારી થતી ન હતી. દવા લેવા છતા સારૂ ન થતા હેતલને લાગી આવ્યું હતું અને આ પગલું ભરી લીધું હતું. આ બનાવના પગલે પરિવાર સહિત ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.