જામનગર : રાજ્યભરની કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનેક આરોપીઓ નાશી ગયાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જામનગરની કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ચીલઝડપ પ્રકરણનો એક આરોપી આજે નાશી જતા પોલીસ તેમજ જાહેર જનતાના આરોગ્ય પર ચિંતા સવાર થઇ ગઈ છે.
જામનગર પોલીસે તાજેતરમાં અમદાવાદથી મૂળ પોરબંદર જીલ્લાના અડવાણા ગામના ભીમા ઉર્ફે ભીમો વેજાભાઈ મેર નામનાં આરોપીનો સીટી સી ડીવીજન પોલીસે કબજો સંભાળ્યો હતો. આ આરોપીને જામનગર લઇ આવી કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા આરોપી ભીમો કોરોનાગ્રસ્ત જાહેર થયો હતો. જેને લઈને પોલીસે આરોપીને શહેરની કોવીડ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જીજી હોસ્પિટલની કોવીડ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલ આ આરોપી આજે બપોરે બે થી ત્રણ વાગ્યાના ગાળામાં નાશી ગયો હોવાનું જાહેર થયું છે. કોરોના પોઝીટીવ આરોપી નાશી જતા પોલીસ બેડા સાથે આમ નાગરિકોમાં પણ ભય ફેલાયો છે. પોલીસે તાકીદે આરોપીની ભાળ મેળવવા પ્રયાસ હાથ ધરી પોરબંદર પોલીસને પણ જાણ કરી છે. જ્યાં સુધી આરોપી હાથ નહી લાગે ત્યાં સુધી કોરોનાગ્રસ્ત આરોપી અનેક નાગરિકોના આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થશે. આ આરોપીએ જામનગરમાં સોનાના ચેઈનની ચીલઝડપ કર્યાની કબુલાત કરી છે. જેને લઈને સીટી સી ડીવીજન પોલીસે આરોપીનો કબજો સંભાળ્યો હતો.