જામનગર : ફીજીઓથેરાપી કોલેજમાં રેગીંગ મામલે મોટા ખુલાસા, વાંચો અહીં…

0
433

જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના સામૂહિક રેગીંગ મામલાની તપાસ તેજ ગતિએ ચાલી રહી છે જેમાં ભોગ બનનારા 28 છાત્રો તેમજ રેગીંગ કરતા હોવાની જેમની સામે ફરિયાદ છે તે 15 જેટલા વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં ચોકાવનારી વિગતો બહાર આવી હોવાનું આધારભૂત સુત્રોમાંથી વિગતો જાણવા મળી છે.

શહેરમાં જૂની પોલીસ લાઇન પાછળ આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજના હાલ બીજા વર્ષમાં અભ્યાસ કરતા 28 છાત્રોએ માનસીક-શારીરીક ત્રાસ આપવા તેમજ જાહેરમાં ગાળો કાઢી અપમાનીત કરાતા હોવા અંગે 15 જેટલા સિનીયર સ્ટુડન્ટો સામે લેખિત ફરિયાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. દિનેશભાઇ સોરાણીને આપી છે. આ લેખીત ફરિયાદના પગલે તાકિદે એન્ટી રેગીંગ કમિટીની બેઠક પછી ત્રણ સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને તેમાં સંબંધિત તમામની પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા છે.

સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહેતા પ્રથમ અને બીજા વર્ષના છાત્રોને અલગ-અલગ દિવસે જુદા-જુદા રૂમમાં રાત્રીના સમયે બોલાવીને સિનીયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટ્રોડકશનના નામે હેરાનગતી કરી ત્રાસ આપવામાં આવ્યો હતો. જેમાં જુનિયર છાત્રોને સતત 1 થી 3-4 કલાક સુધી ઉભા પણ રાખવામાં આવતા હતા. આ પ્રકારની એક મીટીંગ દરમીયાન એક વિદ્યાર્થી તો સખત ગરમીમાં લાંબો સમય ઉભો રહેતાં ચકકર આવવાથી પડી પણ ગયો હતો.

આ ઉપરાંત જુનિયર છાત્રો સાથે હોસ્ટેલની લોબીમાં, રૂમમાં કે સેનીટેશન બ્લોક ગંદકી કરતા હોવાના નામે પણ યેનકેન પ્રકારે ત્રાસદાયક સ્થિતિમાં મુકવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
હોસ્ટેલની મેસમાં પણ જુનીયર છાત્રો સાથે ભેદભાવ ભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે.  આ કિસ્સામાં રેગીંગનો ભોગ બનનાર 3-4 છાત્રો હાલ આ કોલેજમાં અભ્યાસ કરતા નથી. એ જ રીતે રેગીંગ કરનારા વિદ્યાર્થીની જે યાદી છે તે પૈકીનો એક વિદ્યાર્થી પણ અન્ય કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તેમની પૂછપરછ કરવામાં આવે તેવી પણ શકયતા છે.

રેગીંગ પ્રકરણની તપાસ દરમીયાન અમુક છાત્રોના નામ એવા આવ્યા છે કે જે હાલ અહિં અભ્યાસ કરતા નથી જુદા-જુદા કારણસર કોલેજ છોડી ગયેલા આ છાત્રો પૈકીના જેમના નામ આ કિસ્સામાં આવ્યા છે તેવા છાત્રોને મોબાઇલ ફોન પર પૂછપરછ કરી તેમના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા છે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા લેવાયેલ નિવેદનો અને રીપોર્ટ જવાબદાર તંત્ર સુધી પહોચતો કરવામાં આવશે. ત્યારબાદ કસુરવાર છાત્રો સામે પગલા ભરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here