જામનગર નજીક કનસુમરા ગામ તરફ જતા દરેડ ઔદ્યોગિક વિસ્તારના એપલ ગેટ નજીકથી પાણીના ખાડામાં સળગાવી દઈ હત્યા નીપજાવી ફેકી દેવાયેલ યુવતીના મોતનો મામલો ઉકેલાઈ ગયો છે. પોતાના જ પૂર્વ મંગેતરે તેણીને ઘરેથી મળવા બોલાવી બાઈક પર લઇ જઈ આ વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. સગપણ તૂટી જતા આરોપીએ તેણીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે નાશી ગયેલ આરોપી સુધી પહોચવા કવાયત શરુ કરી છે. આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં ચકચારી બનેલ બનાવની વિગત મુબજ, શહેર નજીકના દરેડ વિસ્તારમાં એપલ ગેટ થી થોડે દુર કનસુમરા તરફ જવાના માર્ગે ખુલ્લા પ્લોટમા પાણીના ખાડામાં ગઈ કાલે સવારે આઠેક વાગ્યે એક સ્ત્રી નો અર્ધ બળેલો મૃતદેહ પડયો હોવાની માહિતી તે વિસ્તારમાં કુદરતી હાજતે જનારા વ્યક્તિને મળી હતી. જેથી તેણે તુરત જ નજીકમાં બોરવેલ નું કામ કરતા બોરવેલ સંચાલકને કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જેને લઈને પોલીસ ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ૨૦ થી ૨૨ વર્ષની વયની કોઈ અજ્ઞાત યુવતી કે જેને સળગાવી નાખી હોવાથી અર્ધ બળેલી અવસ્થા માં હતી, અને શરીર પૂરું બળ્યું ન હોવાથી મૃતદેહને ઉપાડીને પાણીના ખાડામાં નાખી દીધો હોવાનું તારણ કાઢ્યું છે.

જે મૃતદેહનો કબજો સંભાળી પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક યુવતીના શરીર પર થોડા કપડા બચ્યા હતા, જે કપડાના વર્ણનના આધારે આસપાસના વિસ્તારની શ્રમિક યુવતી હોવાનું અનુમાન લગાવાયુ હતું. હત્યારા કે હત્યારાઓએ યુવતીને કોઈ અન્ય સ્થળે હત્યા કરી નાખ્યા પછી મૃતદેહને અહીં મૂકી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ પૂરેપૂરી સળગી ન હોવાથી પાણીના ખાડામાં ફેંકી દીધી હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ આરંભી હતી.

બચી ગયેલ તેણીના કપડાના આધારે સૌ પ્રથમ યુવતીની ઓળખ મેળવવા પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં આ યુવતી ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઈ હીંગળા ઉવ.૨૧ હોવાનું સામે આવ્યું હતું. જામનગર તાલુકાના કોન્ઝા ગામના પરિવારની અપરણિત યુવતી હાલ પોતાના પરિવાર સાથે દરેડ ગામે મુરલીધર પાર્ક-૨ સોસાયટી મકાન નં-૨૪/૫માં રહેતી હતી. મૃતકના ભાઈ અમીત જીવરાજભાઈ વીરાભાઈ હીંગળાએ પોતાની બહેનનો દેહ ઓળખી બતાવ્યો હતો. પોલીસ તપાસમાં આ હત્યા તેણીના જ પૂર્વ મંગેતર એવા આરોપી કરણ શંકરભાઈ સાદીયા ઉવ.૨૨ રહે. મુરલીધર પાર્ક-૨ સોસાયટી તાજી.જામનગર મુળ ટુકડા ગામ તા.જી.પોરબંદર તથા તેના મળીતીયાઓએ નીપજાવી હોવાનું સામે આવ્યું હતું.

મરણજનાર ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઈ હીંગળા ઉવ.૨૧ સગાઈ આરોપી કરણ સાથે ચારેક મહિના પૂર્વે થઇ હતી. જયારે તેણીના સગા ભાઈ અમિતની સગાઇ આરોપી કરણની બહેન સાથે કરી સામસામે સગપણ કરાયું હતું. પરંતુ એક સપ્તાહ પૂર્વે બંને પક્ષની સગાઈઓ તુટી ગઈ હતી. સગાઇ તૂટ્યા બાદ પણ આરોપી કરણએ ચાર દિવસ પૂર્વે ફરી તેણીની સાથે સગાઇ કરવાની વાત કરી હતી. જો કે અમિત અને તેની માતાએ સગાઈની ના પાડી દીધી હતી. છતાં પણ આરોપીએ ભારતી સાથે વાતચીત તેમજ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. કરણે ભારતીને તા. ૦૮/૧૨/૨૦૨૧ના રોજ રોયલ કારખાને બપોરના મળવા બોલાવતા તેણીની ત્યાં ગઈ હતી. જ્યાંથી આરોપીએ સાંજના ભારતીને રોયલ કારખાનેથી પોતાના મોટરસાઈકલ પર બેસાડી લઈ ગયો હતો.

દરમિયાન તેણે અથવા અન્ય કોઈની મદદથી મરણજનારનુ કોઈપણ રીતે મોત નીપજાવી લાશને સળગાવી દઈ પાણીના ખાડામા ફેકી દઈ પુરાવાનો નાશ કરી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. શકમંદ આરોપી સુધી પહોચવા માટે પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરના પીએસઆઈ સીએમ કાટેલિયા સહિતના સ્ટાફે કવાયત શરુ કરી છે. બીજી તરફ આરોપી પણ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.