જામનગર અપડેટ્સ: જામનગર મહાનગરપાલિકા ક્યારેક વીજ પોલ વચ્ચે રોડ બનાવી નાખે છે તો ક્યારેક રોડ ચીરીને અન્ય કામ કરવા મજબુર બને છે તો કયારેક અંદાજીત કામના એસ્ટીમેટ કાઢવામાં ભૂલ કરી નાખે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે વોર્ડ નંબર ૧૫ના વિકાસ કાર્યનો, અહી ૨૦૦ લાખના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોકનું કામ બનાવવા દફતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી, આ કામ મંજુર થઇ ગયા પછી ધ્યાને આવ્યું કે કામનું એસ્ટીમેટ બે કરોડ નહિ પણ એક કરોડ ૮૦ લાખ છે. પછી શું? સિવિલ શાખાએ સ્વીકાર કરી આ કામને સ્ટેન્ડિંગ કમિટીમાં સુધારા માટે મોકલી આપી અને સ્ટેન્ડિંગ કમિટીએ ૨૦૦ લાખને બદલે હવે આ કામ ૧૮૦ લાખનું ગણવા ઠરાવ કર્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ગત સ્ટેન્ડિંગ કમિટીમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો આ ઠરાવ કોઈ વિકાસ કાર્યનો નહિ પણ કાર્ય માટે આંકવામાં આવેલ એસ્ટીમેટ અને મંજુર કરી દેવાયેલ કાર્યની રકમને લઈને કરવામાં આવ્યો છે. ઠરાવની વિગત એવી છે કે, ઓક્ટોબર માસથી વોર્ડ નંબર ૧૫માં લોકભાગીદારીથી સીસી રોડ/પેવર બ્લોકનું કામ જે તે શાખાની દરખાસ્ત મુજબ ૨૦૦ લાખના અંદાજીત ખર્ચ સાથે મંજુર કરવામાં આવ્યું હતું. આ ખર્ચનો ઠરાવ મંજુર કરાવી દેવાયા બાદ સિવિલ શાખાને ધ્યાને આવ્યું કે જે તે કામ તો એક કરોડ અને ૮૦ લાખનું છે. એટલે કે જે ખર્ચ કરતા 20 લાખ વધુ છે. કામની રકમ દસ ટકા વધુ અંકાઈ ગઈ છે. જેની ખરેખર રકમ ૧૮૦ લાખ થવા જાય છે. જેમાં વહીવટી ચાર્જ, પાર્ટીની રકમ, જીએસટી અને દેખરેખ હેઠળના ચાર્જ સહીતનો સમાવેશ થાય છે. જો કે કામ તો મંજુર થઇ ચુક્યું હતું. હવે ભૂલ સુધારવા માટે શું કરવું ?મહાનગરપાલિકાની સિવિલ શાખાના અધિકારીઓની ટીમે વિચારણા અને વાતાઘાટો કરી અંતે સ્ટેન્ડીગમાં કામની રકમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું, જે મુજબ સ્ટેન્ડિંગ સમક્ષ ભૂલ સુધાર અર્થે નવો ઠરાવ રાખવામાં આવ્યો, સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવેલ ઠરાવના અનુસંધાને વધુ એક ઠરાવ કરી ૨૦૦ લાખનું કામ હવે ૧૮૦ લાખનો ખર્ચ ગણવા ઠરાવવામાં આવ્યું છે.
હવે આ કામની રકમમાંથી 20 લાખ કાપી ૧૮૦ લાખ કરી દેવામાં આવ્યો છે. અને ઠરાવની નકલ કમિશ્નરને મોકલી દેવામાં આવી છે. ભૂલ તો સુધારી ગઈ પણ અહી સવાલ એ છે કે મહાનગરપાલિકાની એવી કઈ ટીમ છે કે જેણે દસ ટકા વધુની રકમ આ કામ માટે અંદાજ કાઢ્યો છે ? આ એક જ કાર્ય છે કે પછી ભૂતકાળમાં અનેક કાર્યો પૂર્ણ થઇ ચુક્યા છે? કોના બાપની દિવાળી ? પ્રજાના પૈસા છે લઇ લોને રિંગણા દસ બાર !!!!! પણ સારી બાબત એ છે કે ખરા સમયે મહાપાલિકાના ધ્યાને ભૂલ ધ્યાને આવી ગઈ અને વીસ લાખનો વેડફાટ થતા રહી ગયો, જે માટે લગત શાખાને શાબાશી આપવી જ જોઈએ, આખરે ભૂલ સ્વીકાર કરવો એ મોટી વાત છે.