જામનગર અપડેટ્સ: શાળાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક દંડ આપવાના બનાવ વધી રહ્યા છે. અમુક બનાવો તો વિદ્યાર્થીની આત્મહત્યા સુધી પહોચ્યા છે ત્યારે જામનગરમાં ખાનગી શાળાના એક ટીચરે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ફરિયાદ આવી છે. કાલિંદી શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ ગાલ પર માર માર્યો હોવાની રાવ વિધ્યાર્થીના વાલીએ કરી છે. જામનગર જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં શાળાના શિક્ષક દ્વારા માર માર્યાની ત્રણેક ફરિયાદો સામે આવી છે.
જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલ કાલિંદી સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા દીપ ભદ્રા નામના ત્રીજા ધોરણના વિદ્યાર્થીને કોમ્યુટરની ટીચર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રાવ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવી છે. બપોરે શાળાએ બાળકને પરત લેવા ગયેલ તેના પિતાએ ગાલમાં નિશાન જોતા પૂછ્યું હતું.
કોમ્યુટરની શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું વિદ્યાર્થીએ તેના પિતાને જણાવ્યું હતું. લાઈનમાંથી જુદા પડેલ વિદ્યાર્થીને શિક્ષિકાએ શિક્ષા આપી હોવાનું વિદ્યાર્થી દીપે જણાવ્યું હતું. જેને લઈને વાલી દીપકભાઈ તુરંત શાળા સંચાલક રશિકભાઈ પાસે પહોચ્યા હતા અને ટીચર અંગે રાવ કરી હતી. સંચાલક રસિકભાઈએ તેઓને બનવા અંગે જોઈને વિચારશું એમ કહ્યું હતું. શાળામાં શિક્ષકો દ્વારા શારીરિક ટોર્ચરના વધતા જતા બનાવને લઈને શિક્ષણ વિભાગે પણ કડક પગલા ભરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય એમ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું.