જામનગર : જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે લસણ ભરેલ ટ્રક, ઇકો અને ઓટો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં તેર ખેડૂતો ઘવાયા હોવાની વિગતો જાણવા મળી છે. એકાએક આવી ચડેલ ઇકોને બચાવવા જતા ટ્રક ઓટો રીક્ષા સાથે અથડાઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે.
જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પર આવેલ જાંબુડા પાટીયા પાસે આજે બપોરે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં લસણની બિયારણ ભરેલ એક ટ્રક જામનગરથી નડિયાદ તરફ જતો હતો ત્યારે જાંબુડા પાટિયા પાસે એક ટ્રક એકાએક આવી ચડ્યો હતો જેમાં ઇકોને સામાન્ય ઠોકર લાગી હતી. ત્યારબાદ ટ્રક ઓટો રીક્ષા સાથે અથડાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઓટો રીક્ષા પીસાઈ ગઈ હતી. જયારે ટ્રક પલટી ખાઈ જતા તેમાં ભરેલ લસણ વેરાઈ ગયું હતું અને સાથે સાથે ટ્રકમાં બેસેલ નડિયાદ જીલ્લાના બોરસલીના ખેડૂતો પણ ફંગોળાઈ ગયા હતા. જેમના તેર ખેડૂતોને ઈજાઓ પહોચી હોવાનુ પંચકોશી એ ડીવીજન પીએસઆઈ ચુડાસમાએ જણાવ્યું છે. બોરસલીના ખેડૂતો જામનગર ખાતેથી બિયારણનું લસણ ભરી પોતાના વતન પરત જતા હતા ત્યારે ટ્રક અકસ્માતનો ભોગ બન્યા હોવાનું ઉમેર્યું હતું. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.