જામનગર : જામનગર એલસીબી પોલીસે સાત પિસ્તોલ સાથે બે સખ્સોને પકડી પાડ્યા બાદ સપ્લાયરની સંડોવણી સામે આવી છે. હાલ વડોદરા રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકના સખ્સને પકડી પાડવા માટે પોલીસે વડોદરા સુધી તપાસ લંબાવશે. આ પ્રકરણમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જામનગર એલસીબી પોલીસે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટિયા પાસે બે સખ્સો હથિયારો સાથે ફરતા હોવાની ચોક્કસ હકીકત એલસીબી પોલીસને મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે આજે શંકાસ્પદ હાલતમાં બસ સ્ટેન્ડની છાપરી પાસે બેઠેલ જીણાવારી ગામના મનસુખ કારેણાના કબજામાંથી ત્રણ પિસ્તોલ અને પોરબંદર જીલ્લાના રાણાવાવના રાજસી માલદે ઓડેદરા નામના સખ્સના કબ્જામાંથી બે પિસ્તોલ એક ગન કબજે કરી હતી. પોલીસે બંને સખ્સોના કબજામાંથી રૂપિયા ૧,૨૫,૬૦૦ની કીમતની છ પિસ્તોલ અને એક સ્ટીક ગન અને એક કાર્ટીસ કબજે કર્યા હતા. પોલીસે બંને સખ્સોની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ હથિયારો મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામના રાજેશ જેશાભાઈ પીપરોતર નામના સખ્સે સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યુ છે. હાલ બરોડા રહેતા આ સખ્સને પોલીસે ફરાર જાહેર કર્યો છે.
આરોપી મનસુખે અગાઉ આદીત્યાણા ગામના સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટીટી મુન્દ્રા નામના સખ્સને હથિયાર વેચાણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ સખ્સ અગાઉ લુંટના ગુનામાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે. જયારે રાજસી અગાઉ રાણાવાવમાં મારામારીન બે ગુનામાં સંડોવાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના કબજામાંથી એક સ્ટીક ગન મળી આવી છે. આ હથિયાર મનસુખે બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. યુ ટ્યુબ પર સ્ટીક ગન બનાવવાની ટેકનીક શીખી બે સ્ટીક બજારમાંથી ખરીદી, હાથાને ટ્રીગર તરીકે ઉપયોગ કરી, બંને પાઈપ વચ્ચે ગોળી ફીટ કરી, સ્ટીકનો ગન તરીકે ઉપયોગ કરી શકાય એવી રીતે બનાવી છે. માત્ર ત્રણ ધોરણ સુધી ભણેલા આરોપીએ આ હથિયારનો કોઈ વારદાતમાં ઉપયોગ નથી કર્યો એમ કબુલ્યું છે. પરંતુ આ હથિયારો ક્યાંથી લઇ આવવામાં આવ્યા છે અને કોને સપ્લાય કરવાના હતા તેનો તાગ મેળવવા માટે જામજોધપુર પોલીસ દફતરના પીઆઈ વાય બી રાણા સહિતના સ્ટાફે બંને આરોપીઓનો કોવીડ ટેસ્ટ હાથ ધરી કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.