રાજ્યના મુખ્ય ચાર મોટા મંદિરમાં દ્વારકાના જગત મંદિરનો પણ સમાવેશ થાય છે. સોમનાથ, અંબાજી, બહુચરાજી બાદ દ્વારકામાં ભાવિકોની અનરાધાર શ્રધ્ધા દાનપેટીઓ છલકાવે છે. પરંતુ કોરોનાકાળની અસર તમામ દેવ સંસ્થાનો પર પડી છે. જેમાં અન્ય મંદિરોની સામ્પેક્ષમાં જગતમંદિરની આવકમાં ખાસ્સો ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષમાં મંદિરને ૪.૯૩ કરોડની આવક થઇ છે.

ચાર ધામ પૈકીના એક એવા મોક્ષપૂરી તરીકે ઓળખાતા દ્વારકા ધામમાં અનેક શ્રદ્ધાળુઓનો પ્રવાહ દરરોજ શીશ જુકાવે છે. એમાય હાલ હોળીના સપરમાં દિવસો ચાલી રહ્યા હોવાથી રાજ્ય સહીત રાજસ્થાન તરફથી પદયાત્રીઓનો પ્રવાહ જગતમંદિર તરફ દોરાઈ રહ્યો છે. અન્ય વર્ષોની સરખામણીએ છેલ્લે દસકામાં જગતમંદિરે ફૂલડોલ ઉત્સવનું મહત્વ ખુજ જ વધ્યું છે. જન્માષ્ટમીના તહેવાર કરતા પણ ફૂલડોલની ઉજવણીમાં ભાવિકો વધુ સહભાગી બની પુણ્યનું ભાથું કમાઈ રહ્યા છે. આ ઉપરાંત વર્ષભર યાત્રિકોનો પ્રવાહ દ્વારકા આવતો રહ્યો છે. જેને લઈને મંદિરની દાનપેટીની આવક થતી આવી છે.

છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૦માં ચાર કરોડ અને વર્ષ ૨૦૨૧માં ૯૩ લાખની આવક થવા પામી છે. કોરોનાકાળના કારણે મંદિરની દાનપેટીમાં થોડી ઓટ આવી છે. જો કે રાજ્યના અન્ય મોટા મંદિરોમાં છેલ્લા ત્રણ વર્ષમાં સોમનાથ મંદિરને ૧૨૧ કરોડ, અંબાજી મંદિરને ૧૦૯ કરોડ અને બહુચરાજી મંદિરમાં ૩૩ કરોડ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા મંદિરનો વહીવટ દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવે છે. મંદિરની આવકમાં ૮૦ ટકા હિસ્સો પુજારી પરિવારને તથા ૧૫-૧૭ ટકા હિસ્સો દેવસ્થાન સમિતિને અને ૨-૩ ટકા હિસ્સો ચેરીટી ટ્રસ્ટને ફાળે જાય છે.