આરોગ્ય સર્વેમાં આટલા બધા લોકો તાવથી ધખધખતા મળ્યા !!!!

0
591

જામનગર : દર વર્ષની જેમ જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રામ્ય સ્તરે મલેરિયા ઉપરાંત હાલ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખી જામનગર જિલ્લાના તમામ ગામમાં ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી ચાલી રહી હોવાનો આરોગ્ય તંત્ર દાવો કરી રહ્યું છે. આ કામગીરીમાં આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ  સર્વે કરે છે. જેમાં સપ્તાહમાં એક દિવસને ડ્રાય ડે(સુકો દિવસ)ની ઉજવણીનું આયોજન પણ કરવામાં આવેલ છે. ડ્રાય-ડે એટલે કે જેમાં અઠવાડિયામાં એક દિવસ પાણી ભરેલ પાત્રો ખાલી કરાવી લોકો દ્વારા તે પાત્રને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકણ ઢાંકવાથી મચ્છરના પોરા થતા નથી તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ-નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. જેથી મેલેરિયાનો રોગચાળો અટકાવી શકાય છે. આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ફિલ્ડની કામગીરી દરમિયાન મહત્વની વિગતો સામે આવી હતી. જામનગર જીલ્લા(ગ્રામ્ય)ના ૫૪૮ આરોગ્ય કર્મચારી દ્રારા ૨૭૬ ગામડાઓમાં ૧૪૩૫૦ ઘરોમાં ૮૪૫૫૩ નાગરીકોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તાવના ૨૨૬ દર્દીઓ સામે આવ્યા હતા. આ ઉપરાંત ૨૨૬ નાગરિકોના નમુનાઓનું પરીક્ષણ પણ કરાયું હતું જોકે આ તમામને મલેરિયા નહી હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ૫૧૧૨૧ પાત્રો ચકાસી મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં ૧૩૬ પાત્રોમાં પોરાઓની હાજરી મળી હતી જયારે અન્ય ૨૨૦૬૬ પાત્રોમાં આરોગ્યની ટીમે  એબેટ દવા નાખી હતી. આ ઉપરાંત ૪૪ પાત્રોમાં બી.ટી.આઈ. છંટકાવ, ૪૭ પાત્રોમાં બળેલ ઓઈલ/કેરોસીન નાખવામાં આવ્યું હતું. જયારે આઠ સ્થળોએ પોરાભક્ષકગપ્પી-ગમ્બુસીયા માછલી નાખવામાં આવી હતી, હાલમાં પણ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં આ કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here