ફાઈરિંગ : બિલ્ડર ડેર પર ફાઈરિંગ થયું તે હથિયાર કાલાવડમાં વેચી નખાયુ’તું

0
1487

જામનગર : જામનગરના ચકચારી બિલ્ડર પરના ફાયરીંગ પ્રકરણમાં વધુ એક સખ્સની સંડોવણી સામે આવી છે. જે હથિયાર વડે ફાયરીંગ કરવામાં આવ્યું હતું તે હથીયાર કાલાવડના એક સખ્સને વેચી નાખવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસે હથિયાર સાથે કાલાવડના સખ્સની ધરપકડ કરી છે.

જામનગરના ચકચારી ફાયરીંગ પ્રકરણમાં વધુ એક વળાંક આવ્યો છે. ગત તા. ૩ના રોજ જામનગરના બિલ્ડર ગીરીશભાઈ ડેર પર ત્રણ અજાણ્યા સખ્સોએ ધડાધડ ફાયરીંગ કર્યું હતું. જો કે બિલ્ડરે પોતાના હથિયાર વડે સામે ફાયરીંગ કરતા ત્રણેય સખ્સો નાશી ગયા હતા. ત્યારબાદ અમદાવાદ એટીએસની ટીમે ફાયરીંગ કરનાર ત્રણ સખ્સો હિતેશ ઉર્ફે હિતેશસિંહ ઉર્ફે હિતુભા જાડેજા અને સંજય અરશીભાઈ બારડ અને વાળા પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ નામના ત્રણ સખ્સોને પકડી જામનગર પોલીસના હવાલે કર્યા હતા. જામનગર પોલીસે ત્રણેય સખ્સોની વિધિવત પૂછપરછ કરતા જામનગરના કુખ્યાત સખ્સોની સંડોવણી સામે આવી હતી. જામનગરના જ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે શહેરના રજાક સોપારી અને તેના ભાઈ તેમજ જશપાલસિંહ જાડેજાને આ કામ સોપ્યું હતું. જેમાં જશ્પાલે ત્રણેય આરોપીઓને બે દિવસ સુધી રહેવા ઉપરાંત એક લાખની રકમ આપી હોવાનું એસપીએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે જશપાલને દબોચી લીધો હતો. ત્રણેય શુટરને સાત દિવસ અને જશપાલને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ પોલીસે પૂછપરછ કરી હતી જેમાં આરોપી હિતેશે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કાલાવડના એક સખ્સને જે તે દિવસે જ વેચી નાંખ્યુ હોવાનું કબુલ્યું હતું. જેને લઈને આજે એલસીબીની ટીમે કાલાવડ ખાતે થી આરોપી ઇમરાન ગફાર સમાને પકડી પાડ્યો હતો. પોલીસે તેના કબજામાંથી અડધા લાખની એક પિસ્તોલ કબજે કરી હતી. પોલીસે આ સખ્સની હથિયાર સાથે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં કુખ્યાત જયેશ પટેલ ઉપરાંત રજાક સોપારી અને તેના ભાઈ હજુ ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here