દ્વારકા : રાજપરા ગામ કેમ ખાલી કરાવાયુ, જાણો હાલની સ્થિતિ

0
972

જામનગર : દેવભૂમિ દ્વારકામાં જીલ્લામાં પડેલા  ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં તબદીલ થઇ ગયા છે. સૌથી વધુ અસર દ્વારકા અને ખંભાલીયા-કલ્યાણપુર પંથકમાં થવા પામી છે. દ્વારકામાં આજે ત્રીજા દિવસે પણ પાણી ભર્યા છે. તો બીજી તરફ તાલુકા બે ડેમ તૂટવાની દહેશત વચ્ચે રાજપરા ગામે ખાલી કરાવી નાખવામાં આવ્યું છે.  સમગ્ર જીલ્લાની પરિસ્થિતિ થાળે પડતા બે-ત્રણ દિવસ લાગશે એમ તંત્ર તરફથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગઈ કાલના વિરામ બાદ આજે સવાર આઠ થી દસ વાગ્યાના ગાળામાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું કંટ્રોલરૂમ પરથી જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા છેલ્લા એક સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે.  ચાર દિવસ પૂર્વે પડેલા સાંબેલાધાર વરસાદને લઈને ખંભાલીયા અને દ્વારકા જીલ્લો પાણી પાણી થઇ ગયો છે. દ્વારકાની બજારોમાં હજુ પાણી ભર્યા છે. આજે ત્રીજા દિવસે પણ દ્વારકાનું જનજીવન હજુ બેહાલ હેઠળ રહ્યું છે. ગઈ કાલે પાણી નિકાલની કામગીરી કરાયા બાદ પણ હજુ અમુક જગ્યાએ પાણી ભર્યા છે.

દ્વારકામાં પડેલા ભારે વરસાદના કારણે તાલુકના મોટાભાગના જળસગ્રહ સ્થાનો છલકાઇ ગયા છે. જેમાં રાજપરા ગામની ઉપરવાસમાં આવેલ ભીમગજા અને અન્ય તળાવ ઓવર ફલો તો થઇ જ ગયા હતા સાથે સાથે પૂરનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા ગત રાત્રે જ ગામ ખાલી કરાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. મોડી રાત્રે આ કામગીરી બાદ આજ સવારથી પરિસ્થિતિ થાળે પડતા ગ્રામજનોને પરત લાવવાની કામગીરી શરુ કરવામાં આવી હોવાની વિગતો જીલ્લા કલેકટર મીણાએ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા જીલ્લામાં ખંભાલીયામાં મોષમનો ૧૩૦૯ મીમી અને દ્વારકામાં ૭૦૨ મીમી તેમજ કલ્યાણપુરમાં ૧૦૪૭ મીમી તથા ભાણવડમાં ૩૯૩ મીમી વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here