જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં દ્વારકા ખાતે એક વકીલ અને તેના પરિવારના સદસ્યોએ એક આસામીની બાર એકર જમીનનો વેચાણ કરાર બનાવી નાખી, આ જમીન ચાઉં કરી જવા કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે વકીલ અને તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામના પોલાભા નાયાણી નામના ખેડૂતના પિતા હઠુભાએ પોતાની માલિકીની જમીન એસએસસી કંપનીને લીજમાં ભાડા પેટે આપી હતી. ગામના સર્વે નંબર ૬ના અને નવા સર્વે નંબર ૨૪ વાળી ૧૨ એકર જમીનમાં રેવન્યુ ઓથોરીટીની શરતચૂકના કારણે ૭/૧૨ માથી હઠુભાનું નામ પ્રથમ હક માંથી કમી થઇ ગયું હતું.
આ ભૂલ સુધારવા માટે પોલાભાએ આરોપી વકિલ સંજીવ નટવરલાલ ચાંદલિયાને કામ સોંપ્યું હતું. જેમાં આરોપી વકીલે તેના જ પરિવારના પુષ્પાબેન નટવરલાલ, માલી નટવરલાલ અને આશા સંજીવભાઈ અને મીનાક્ષી નટવરલાલ ચાંદલિયાઓએ એક સંપ કરી પોલાભા તથા તેના વારસદારોની સહીઓ લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી વેચાણ કરાર (બાના ખત) કરી નાખ્યો હતો. આ તમામ સખ્સોએ વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ સુધીમાં મામલતદાર કચેરીએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.