જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લા વાડીનાર ખાતે સ્થાનિક મરીન પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માંડીને બેઠેલા પાંચ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. અંડર વોટર સર્વિસ લી અને નયારા કંપનીના ખલાસી તરીકે કામ કરતા આ સખ્સોની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાંચેય સખ્સો પીધેલા હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાલીયા પંથકમાં આવેલ નયારા એનર્જી કંપની ફરી પ્રસાર માધ્યમોમાં ચમકી છે. આ વખતે ઉત્પાદન કે નફા-નુકસાનીને લીધે નહી પરંતુ હાલ કપની સાથે સંકળાયેલ ખલાસીને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. હકીકત એમ છે કે વાડીનારમાં ૬૬ કેવી સબ સ્ટેશન સામે આવેલ અન્ડર વોટરની બાઉન્ડ્રી પાસે અમુક સખ્સો દારૂની મહેફિલ માંડીને બેઠા છે એવી હકીકતને લઈને સ્થાનીક મરીન પોલીસે દરોડો પાડ્યો હતો.
આ દરોડા દરમિયાન વાડીનાર જેટી પર કેવિન ટગમાં રહેતા અને અન્ડર વોટર સર્વિસ કુ.લીના ખલાસી તરીકે કામ કરતા પરમજીતસિંઘ અવતારસિંઘ લીટ, વિક્રમસિંહ ભૂરીસિંહ રાણા, નાગેશ્વરરાવ દાનેશ મયલપીલ્લી, અમિત આશુતોષ અધિકારી તેમજ અહીની મહાકાય નયારા એનર્જી સાથે સંકળાયેલ ખલાસી રમનકુમાર દિલીપસિંહ રાણા નામના સખ્સો મહેફિલ માંડીને બેઠેલા પકડાઈ ગયા હતા. પાંચેય સખ્સો પાસેથી અડધી બોટલ દારૂ મળી આવ્યો હતો. વાડીનાર પોલીસે પાંચેય સામે મહેફિલ સબંધી સંયુક્ત અને દારૂ પીધેલનો સિંગલ-સિંગલ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરી વખત મહાકાય કંપની ચર્ચામાં આવી છે. જો કે આ રેડને નાકામ બનાવવાના પણ પ્રયાસો થયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસે કોઈની સાડા બાર નહી રાખી કાયદેસરની કાર્યવાહી કરી હતી.