જામનગર : હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ પૂજાય છે. જેમાં મહાદેવ શિવ શંકર લોક કલ્યાણકારી તરીકે પૂજાય છે. આ ભોલાનાથે ખુદ કહ્યું છે કે પૃથ્વી લોકમાં મારી આરાધના પૂર્વે મારા પુત્ર ગણેશની પૂજા થશે. ભગવાન શિવ પણ જેના ગુણગાન ગાતા અને વિશેષ દરરજો આપતા હોય એવા દુંદાળા દેવ ગણપતિની આદ્ય ભક્તિ- શક્તિનો અનેરો મહિમા રહેલો છે. સાચી શ્રધ્ધા સાથે કોઈ પણ દુ:ખ-દર્દ કે પીડા-સંકટ લઇ સિદ્ધિ વિનાયકના દ્વારે જતો ભક્ત ચોક્કસ હળવો ફુલ થઇ પરત ફરે છે. વિધ્નહર્તા ગણપતિ મહારાજ ભાવકો અને ભક્તોની મનોકામના ચોક્કસથી પૂરી થાય છે. આવા દૈદીપ્યમાન દેવ શ્રી ગણપતિ જામનગર નજીક સપડા ગામે બિરાજમાન છે. ચોમાસા દરમિયાન ચોતરફ ફેલાઈ જતી હરિયાળી વચ્ચે ટેકરા ઉપર બિરાજમાન ગણપતિમંદિર દરરોજ ભક્તોની ભીડથી ચહેકતું રહે છે. ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના તહેવારના સપરમાં દિવસોમાં મંદિરે શ્રધ્ધાળુઓના ઘોડાપુર બાપાનાં દર્શન માટે ઉમટી પડે છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શ્રધ્ધાળુઓ અહીં શીશ જુકાવી ધન્યતા અનુભવશે.
છ સદીઓ પૂર્વેની લોક વાયકા મુજબ એક ગરીબ સુથારના સપના સંકટ મોચક સપનામાં આવ્યા હતા. સપનામાં કહ્યું હું ભગદાંડી નદીમાં ધરબાયેલ છું…મારો વજન ફૂલ જેવો છે…મને બહાર કાઢો….મારે પ્રસ્થાપિત થવું છે…..મારી પ્રતિમા ગાડામાં પધરાવી ગાડું હંકારજો, જ્યાં ગાડું ઉભું રહે ત્યાં મારું સર્જન કરજો મારે જન-જનના દુ:ખ દર્દ દુર કરવા છે. એમ કહી દુંદાળા દેવે સપનામાંથી વિદાઈ લીધી. ત્યારબાદ આ સુથારે ગ્રામજનોને સઘળી વાત કરી સપનાને અંતિમ રૂપ આપવાની તૈયારીઓ કરી, ભાગદંડી નદીમાં ચોક્કસ જગ્યાએ ખોદાણ કરવામાં આવ્યું અને સામે આવી દુંદાળા દેવની મૂર્તિ, આ મૂર્તિને ગાળામાં પધરાવી ગાડું હંકારવામાં આવ્યું, આજે જે ઉંચે ડુંગરે દેવ બિરાજમાન છે ત્યાં ગજાનન પ્રસ્થાપિત કરવામાં આવ્યા, બસ ત્યારથી માંડી અત્યાર સુધી વિધ્નહર્તા જન જનમાં આસ્થાનું કેન્દ્ર બની ગયા છે.
સૌ કોઈ પોતાના સત કાર્યની શરુઆત પૂર્વે ગણપતિની આરાધના ચોક્કસ કરે છે. વિધ્નહર્તા દેવને સમરીને નવું સોપાન શરુ કરવામાં આવે છે. સપડા ખાતે ન કેવળ જામનગર પરતું ભારત- ભરમાંથી ભક્તોનો પ્રવાહ અત્રે દર્શનાર્થે આવે છે. દેશના સીમાડા વટાવીને પણ વિદેશમાં સ્થાઈ થયેલા ભારતીયો સમયાંતરે અત્રે શીશ જુકાવવા જરૂર આવે છે. જેનું પરિમાણ અત્રેની દાન પેટીમાંથી નીકળતા ડોલર, પાઉન્ડ સહીતના વિદેશી ચલણના આધારે મળે છે. દર મહિનાની ચોથની ભક્તિ-આરાધનાનું વિશેષ મહત્વ રહ્યું છે. એટલે તો જામનગર સહીત જીલ્લાભરમાંથી ભક્તો ચોથ ભરવા પગપાળા અત્રે આવી પોતાની નિસ્વાર્થ ભક્તિ બાપાનાં ચરણોમાં સમર્પિત કરે છે.