જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મણીપુર હાબરડી ગામે વાડીમાં ધમધમતા જુગાર ફિલ્ડ પર કલ્યાણપુર પોલીસે દરોડો પાડી પાંચ સખ્સોને એક લાખ ઉપરાંતની રોકડ સાથે તીન પતિની મોજ માણતા પકડી પાડ્યા છે.
કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામના પાટિયાની સામેના રોડ પર હાબરડી ગામ તરફ જતા રોડ પર આવેલ દાત્રાણા ગામની સીમમાં રામભાઈ વજસીભાઈ ચાવડા પોતાની વાડીમાં અમુક સખ્સો ભેગા કરી જુગાર રમાડતો હોવાની કલ્યાણપુર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વાડીમાં બંધ બારણે જુગાર રમતા નામીચા સખ્સો પ્રતાપભાઇ ઉર્ફે મુન્નાભાઇ ઘેલાભાઇ પરમાર રહે.રાવલ ગામ હનુમાનધાર તા.કલ્યાણપુર, અશ્વિનભાઇ મેરામણભાઇ રાઠોડ રહે.નાવદ્રા ગામ તા.કલ્યાણપુર, કારૂભાઇ અરજણભાઇ આંબલીયા રહે.બેરાજા વસીપાડો તા.ખંભાળીયા, નિલેષભાઇ ચનાભાઇ લગારીયા, રહે.મોટા આસોટા કાઠી વિસ્તાર તા.કલ્યાણપુર, હેમંતભાઇ અરજણભાઇ કરમુર રહે.નાવદ્રા ગામ મુસ્લીમ પાડો તા.કલ્યાણપુર નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા જયારે રાયદે સુકા ચાવડા રહે.બેરાજા ગામ, મેહબુબ ઉર્ફે ભુરો હસન પોપટીયા રહે.રાવલ ગામ નામના સખ્સો નાશી ગયા હતા. અને હાજર નહી મળેલ ભીમગર ગૌસ્વામી અને વાડીમાલિક રામભાઇ વજશીભાઇ ચાવડાને ફરાર જાહેર કરાયા હતા. પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧,૦૧૫૦૦ની રોકડ કબજે કરી હતી. આ ઉપરાંત એક બાઈક અને મોબાઈલ સહીત રૂપિયા ૧૨૭૫૦૦નો મુદ્દામલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ સખ્સોની અટકાયત કરી, નાશી ગયેલ સખ્સો સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.