જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીકના વરવાળા ગામે રાત્રીના મકાનની અગાસી પર સુતેલા એક યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવ્યા બાદ એલસીબી અને એસઓજીએ તપાસ ચલાવી મૃતકની પત્ની અને અન્ય એક સખ્સને ઉઠાવી લીધા છે. પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે પોલીસે હજુ સતાવાર જાહેર કર્યું નથી પરંતુ મૃતકની પત્નીએ વટાણા વેરી નાખ્યા હોવાની વિગત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી છે.
દ્વારકા-ઓખા વચ્ચે આવેલ વરવાળા ગામે શનિવારે રાત્રે એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. દ્વારકા તાલુકાના વરવાળા ગામે આજે મોડી રાત્રે અરવિંદ અસવાર નામના યુવાનનો લોહીથી ખરડાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે સ્થળ પર પહોચી સ્થળ પંચનામું કરી મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર યુવાનના માથાના ભાગે બેલાના પથ્થર ફટકારી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી. યુવાનના માથા નજીક પડેલ પથ્થરને આધારે પોલીસે અનુંમાંન લગાવ્યું છે. અજાણ્યા સખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. ભાડાના મકાનમાં રહેતો યુવાન અગાસી પર સુવા ગયા બાદ સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી દ્વારકા પોલીસની સાથે એલસીબી અને એસઓજી પોલીસ પણ તપાસમાં લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટીએ મૃતક જ્યાં કામ કરતો હતો ત્યાંથી કોઈ ઠોસ માહિતી ન મળતા પોલીસે મૃતક અને તેની પત્નીના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવી હતી. જેમાં પત્નીના મોબાઈલમાં એક નંબર પરથી વધુ વખત થયેલ વાતચીતને લઈને પોલીસે તેની પત્નીની આગવી ઢબે પૂછપરછ કરી હતી જેમાં મૃતકની પત્નીએ વટાણા વેરી નાખ્યા હતા. જો કે પોલીસ હજુ સતાવાર કઈ નથી કહ્યું પણ મૃતકની પત્નીએ તેના જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેને ઉપાડી લીધા છે અને આજ સાંજ સુધીમાં બંનેની ધરપકડ પણ કરી લેશે એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.