જામનગર : હાલ આઈપીએલની સીજન ચાલી રહી છે. જેમાં ખેલાડીઓ મેદાનમાં કૌવત અજમાવી રમી રહ્યા છે તો મેદાન બહાર અને બુકીઓએ પોતાની માયાઝાળ ફેલાવી સટ્ટો લેવો શરુ કર્યો છે એમ દરરોજ પકડાતા જુગાર પરથી સ્પષ્ટ થાય છે ત્યારે ગામડાઓમાં પણ આઈપીએલએ ઘેલું લગાડ્યું છે. ગામડાઓમાં ક્રિકેટર રસીકો બંને ટીમના અમુક-અમુક ખેલાડીઓ સરખે ભાગે વેચી ઓછા વધુ રન પર સહજ રમતા જોવા મળી રહ્યા છે ત્યારે ઓખા મંડળના દેવપરા ગામે આવી રીતે ખેલાડીઓ વહેચી રન અંતર પર રૂપિયાની હાર જીત કરતા પાંચ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે.
મીઠાપુર નજીકના દેવપરા ગામમાં ગઈ કાલે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભરતભા પોલાભા ગીગલા, મેરુ પેથાભા માણેક, અરજણભા માપભા માણેક અને બબાભા રવાભા માણેક તેમજ ચનાભા ધાધાભા સુમણીયા નામના સખ્સોને આતરી લીધા હતા. પોલીસે આ તમામ સખ્સોને આઈપીએલની મેચ પર ખેલાડીઓના બેટિંગ ક્રમના ભાગ પાડી લખેલી ચિઠ્ઠીઓ ઉછાળી રનફેર નામનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૧૨૭૦૦ની રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે મોટા ભાગના ગામડાઓમાં આવી રીતે ક્રિકેટ રસિકો મેચનો નિર્દોષ આનંદ લ્યે છે ત્યારે હવે ગામડાના ક્રિકેટર રશીકો ચેતી જજો આ રમત પણ જુગાર સાથે જ સબંધિત છે. રમવાનું નહી છોડો તો પોલીસ જુગારધારા હેઠળ કાર્યવાહી કરશે.